અમદાવાદઃ એ પાંચ રાજા છે. હા, આજે પણ એ રાજા છે. ભલે ને રાજા તરીકેનું માન એક જ દિવસ પૂરતું હોય પણ એ પોતાના વિસ્તારમાં તો રાજા જ છે. એ પાંચ રાજા ડાંગ દરબારના રાજાઓ છે. વર્ષમાં એક વખત જિલ્લાના મુખ્યમથકમાં તેમની સવારી નીકળે છે. જાણે રાજા પોતાના રાજ્યની મુલાકાતે નીકળ્યા હોય એવી રીતે. ખુદ રાજ્યપાલ અને સરકારના મંત્રીઓ ત્યાં જઈ રાજાઓનું સન્માન કરે છે.
આઝાદી પછી દેશના તમામ રાજાઓનાં સાલિયાણાં બંધ કરાયાં પણ કદાચ દેશમાં માત્ર ડાંગના આ રાજાઓ જ હશે જેમને પોલિટિકલ પેન્શન એટલે કે સાલિયાણું સ૨કા૨ તરફથી ચૂકવવામાં આવે છે, એ પણ માનભેર. સાલિયાણાની રકમ ભલે ને ઓછી હોય પણ એ ૨કમ સરકાર સામે ચાલીને તેમને આપવા જાય છે. સાલિયાણાની રકમ તરીકે મહિને 14થી 16 હજારની રકમ જ થાય છે, એટલે આજે આ રાજાઓ પોતાના જીવન નિર્વાહ માટે નાનાં-મોટાં કામ કરે છે. માત્ર આ પાંચ રાજાઓ જ નહીં પણ ડાંગના નાયકો અને ભાઉબંધોને પણ સાલિયાણું ચૂકવવામાં આવે છે. સરકાર પણ તેમના નામ આગળ રાજવીશ્રી ઉમેરે છે. 2005, 2012 અને 2017માં પોલિટિકલ પેન્શનમાં વધારો પણ કરાયો હતો.
150થી પણ વધુ વર્ષથી દરવર્ષે ડાંગ દરબાર ઊજવાય છે
વર્ષ 1800ની આસપાસ અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક રાજાઓએ અંગ્રેજોને મચક નહોતી આપી. અંતે 1842માં અંગ્રેજ શાસને ડાંગના આદિવાસી રાજાઓ સાથે સંધિ કરી હતી. એ જીતની યાદમાં ડાંગ દરબારની ઉજવણી કરાય છે. માહિતી મુજબ, 1870 આસપાસથી દરબાર ભરાય છે.
1876માં ધુલિયામાં ડાંગ દરબારની ભવ્ય ઉજવણી કરાઈ હતી. એ પછી સતત દરવર્ષે ડાંગ દરબાર યોજાય છે. 1954થી ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે, જે હજુ પણ ચૂકવવામાં આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે હવે માંડ પાંચ જ રાજાને સાલિયાણું ચૂકવાય છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં પાંચેય રાજાઓને ડાંગના મુખ્યમથક આહવામાં ઘર બનાવવવા પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી હતી.

