જમુઇઃ તામિલનાડુમાં બિહારી મજૂરો પર સતત હુમલા થઈ રહ્યા છે. બિહારી મજૂરો ઓછા વેતન પર કામ કરતા હોવાથી સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોનો આરોપ છે કે બિહારી મજૂરો નક્કી કરવામાં આવેલા વેતનના દરથી ઓછું વેતન લઈને ભાવ તોડી રહ્યા છે. આરોપ છે કે સ્થાનિક લોકોના હુમલામાં જમુઈના પવનની 19 ફેબ્રુઆરીએ તેમજ મોનુની 25 ફેબ્રુઆરીએ હત્યા થઈ ચૂકી છે.
તામિલનાડુના કોઇમ્બતુર, બાઢાવલી તેમજ ત્રિપુરમાં ટાર્ગેટ હુમલાના સમાચાર છે. તામિલનાડુથી પરત ફરેલા ધૌર ગામના મનોરંજને જણાવ્યું કે, ઘાયલોમાં મહિલાઓ પણ છે. ડરથી અનેક મજૂરો રાત્રે ટ્રેનમાં છુપાઈને પરત ફરી રહ્યા છે. તામિલનાડુના અનેક જિલ્લામાં બિહારી મજૂર ફસાયેલા છે, જેમને બિહાર વાપસીમાં મુશ્કેલી થઈ રહી છે.
દરેકને સુરક્ષા મળશેઃ નીતિશકુમાર
બિહાર વિધાનસભામાં ગુરુવારે આ મામલે હોબાળો મચ્યો હતો. વિપક્ષના નેતા ભાજપના સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, સરકાર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નિવડી છે. સીએમ નીતિશ કુમારે ભરોસો અપાવ્યો કે તામિલનાડુમાં રહેતા બિહારી મજૂરોની સુરક્ષા કરાશે.
તામિલનાડુ પોલીસ મૌન છેઃ બિહારી શ્રમિકો
તામિલનાડુથી બિહાર પરત ફરતા શ્રમિક અરમાનના મતે હિન્દી બોલતા બિહારી મજૂરો પર સતત હુમલા થઈ રહ્યા છે. પોલિસ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરી રહી નથી, જેને કારણે ત્યાં કામ કરતા બિહારી મજૂરો ભયમાં છે. આરોપ છે કે બિહારી શ્રમિકોને તામિલનાડુમાંથી ભગાવવાનો પ્રયાસ છે.
હુમલાનો વીડિયો બનાવટીઃ તામિલનાડુના ડીજીપી
તામિલનાડુના ડીજીપી શેલેન્દ્ર બાબુનો દાવો છે કે, બિહારી મજૂરો પર હુમલાનો વીડિયો બનાવટી છે. વીડિયોમાં દેખાતા લોકો બિહારના નથી પણ કોઇમ્બતુરની એક કોલેજના વિદ્યાર્થી છે. તેઓની વચ્ચે 14 ફેબ્રુઆરીએ મારપીટ થઈ હતી. ડીજીપીનો દાવો છે કે બિહારી શ્રમિકો શાંતિપૂર્વક કામ કરે છે. વીડિયો પોસ્ટ કરનારા સામે કાર્યવાહી થશે.

