રાજ્યમાં અનેક સ્થળે માવઠાથી પાકને મોટું નુકસાન

Thursday 09th March 2023 03:35 EST
 
 

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર માવઠાના મારથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. હાલના સમયમાં જ્યારે કપાસ, ચણા, ઘઉં, મકાઈ, કેરી સહિતના અનેક પાક લેવાની ખેડૂતો તૈયારી કરી રહ્યા હતા, તેવા જ સમયે માવઠું થતાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં રાજ્યભરના ખેડૂતોને માવઠાએ બીજી વખત માર માર્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુપણ ત્રીજી વખત માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગરમાં પણ વરસાદના કારણે કેરી, ઘઉં, કપાસના પાકને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. જો કે અહીં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ માવઠાનો ઓછો માર પડ્યો છે.
રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં માવઠાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. અનેક ખેડૂતોના પાક ખેતરમાં જ ઊભા હોઈ અથવા લણીને ખેતરમાં જ પડ્યા હોઈ તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ ઘઉં, તમાકુના પાકને નુકસાન થયું છે. ભાવનગરમાં માવઠું પડતાં ઘઉં અને કેરીના પાકને નુકસાન થયું છે. અમરેલી, જૂનાગઢ જિલ્લામાં માવઠાના કારણે કેરી, રાયડો, ઘઉં, બટેટાં અને રાજગરા સહિતના અન્ય પાકને નુકસાન થયું છે.
સુરત, નવસારીના ચીખલી તાલુકામાં, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને કચ્છના આહીર પટ્ટીનાં ગામોમાં પણ માવઠા સાથે ક્યાંક કરા પણ પડ્યા છે.


comments powered by Disqus