નવી દિલ્હીઃ દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ મામલે નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની 7 દિવસની સીબીઆઇ કસ્ટડી પૂરી થતાં સોમવારે દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે તેમને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
કોર્ટે તેમને ભગવદ્ ગીતા, ચશ્માં અને ડાયરી સાથે રાખવાની મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટના આધારે દવાઓ રાખવાની પણ મંજૂરી અપાઈ છે. સિસોદિયાના વકીલની વિનંતીના પગલે કોર્ટે સિસોદિયાને મેડિટેશન સેલમાં રાખવા અંગે વિચારવા જેલ ઓથોરિટીને આદેશ કર્યો હતો. કોર્ટે સિસોદિયા દ્વારા દાખલ જામીન અરજી મામલે સીબીઆઇને નોટિસ પણ જારી કરી. જામીન અરજી મામલે સુનાવણી 10 માર્ચે થશે.
ભવિષ્યમાં ફરી કસ્ટડી માગીશું: CBI
દિલ્હીની 2021-22ની લીકર પોલિસીની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર સંદર્ભે સિસોદિયાની ધરપકડ કરાઈ છે. સુનાવણી દરમિયાન સીબીઆઇએ કોર્ટને જણાવ્યું કે, તે હાલ આરોપીની વધુ કસ્ટડી નથી માગી રહ્યા પણ ભવિષ્યમાં માગશે, કેમ કે આરોપીનો વ્યવહાર યોગ્ય નથી. તેઓ તપાસને રાજકીય રંગ આપી રહ્યા છે.

