હીરાસર એરપોર્ટ એપ્રિલમાં થઈ શકે કાર્યરત્ઃ ટેસ્ટિંગ કરવામાં આવ્યા

Thursday 09th March 2023 03:30 EST
 
 

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે અંતર્ગત 4 માર્ચ અને 5 માર્ચ દરમિયાન હીરાસર એરપોર્ટના રનવે પર પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફની ટ્રાયલ કરવામાં આવી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હીરાસર એરપોર્ટ માર્ચના અંત સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને એપ્રિલમાં કાર્યરત્ કરવામાં આવી શકે છે. એરપોર્ટ રનવેના ટેસ્ટિંગની સાથે એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની કાર્યક્ષમતાની પણ ખરાઈ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવવામાં આવ્યું કે, ફ્લાઇટ લેન્ડિંગનું ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ રનવેની નીચેના ભાગે 1 કિ.મી.ની ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત કંટ્રોલ નેવિગેશન સિસ્ટમ પણ તૈયાર કરી લેવાઈ છે. બોઇંગ 737 લેન્ડ કરી શકે તે માટે અલાયદો રનવે બનાવાયો છે. હીરાસર એરપોર્ટને એપ્રિલમાં જીડીસીએ દ્વારા ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે, જે બાદ ગમે તે ઘડીએ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાશે.
હીરાસર એરપોર્ટ ખાતે હાલમાં ટર્મિનલ 1 અને 2ની લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઈ જતાં હવે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં લેન્ડિંગને ધ્યાને રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરીને પૂર્ણ કરવામાં આવશે.
28 માર્ચથી રાજકોટ-ગોવા ફ્લાઇટ શરૂ થશે
રાજકોટમાં આગામી 28 માર્ચથી રાજકોટથી ગોવાની સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે. ઇન્ડિગો એરલાઇન્સની રાજકોટ-ગોવાની સીધી ફ્લાઈટ સપ્તાહમાં મંગળ, ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ શરૂ થશે. દર મંગળ, ગુરુ, અને શનિવારે સવારે 11:10 વાગ્યે ગોવાથી ટેક ઓફ થઈ બપોરે 12:45 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને બપોરે 1:15 વાગ્યે રાજકોટથી પરત ગોવા જવા ટેકઓફ થઈ 2:50 વાગ્યે ગોવા લેન્ડ થશે.


comments powered by Disqus