અમદાવાદઃ હાથના ખોબામાં સમાઈ જાય એવી નાના કદની ચાર કિડનીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિ. ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર – ઇન્સ્ટિ. ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના ડોક્ટરોએ સફળ કિડની પ્રત્યારોપણ કરી બતાવ્યું છે. મહત્ત્વનું છે કે, સુરતમાં કિડની દાન કરનારાં બે બાળકો દેશનાં અને એશિયાનાં સૌથી નાની ઉંમરનાં કિડનીદાતા બન્યાં છે. જેમાં એકની ઉંમર 116 અને બીજાની ઉંમર માત્ર 100 કલાક હતી.
ડોક્ટરોનો દાવો છે કે આ બંને બાળકો એશિયાનાં સૌથી નાનાં અંગદાતા બન્યાં છે. બંને બાળકોની ચાર કિડની, ચાર ચક્ષુ અને એક લીવરના દાનથી 5 બાળકોને નવજીવન અને ચારને દૃષ્ટિ મળશે. આશરે દોઢ મહિના પહેલાં ચંડીગઢમાં 14 દિવસના બાળકની કિડની ડોનેટ થઈ હતી, જે બાળક સૌથી યંગેસ્ટ કિડનીદાતા હતું. કિડની પ્રાપ્ત કરનારાં ચારેય બાળકોનું નિઃશુલ્ક પ્રત્યારોપણ થયું છે. લીવર દિલ્હીના બાળકમાં પ્રત્યારોપણ માટે લઈ જવાયુંું હતું.

