ભુજઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારોબારી મંડળની બેઠક ભુજમાં યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભુજ ખાતે સંઘના વડા ડો. મોહન ભાગવત તેમજ નજીકના અધિકારીઓ સાથે બંધબારણે મુલાકાતે અનેક રહસ્ય સર્જ્યાં છે. આ મુલાકાતને જોતાં રાજકીય ઊથલપાથલ થવાની શક્યતા પણ નકારી ન શકાય. અત્યંત ગુપ્ત મીટિંગમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે બહાર નથી આવ્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર એક કલાકની બંધબારણે મીટિંગ માટે મુખ્યમંત્રી ગાંધીનગરથી ભુજ આવે તે જ કોઈ ચોક્કસ કારણ હોવાનું પુરવાર કરે છે. આ બેઠકમાં સાંસદ કે જિલ્લાના 6 ધારાસભ્ય પૈકી કોઈ જ સ્થાનિક નેતાને પ્રવેશ નહોતો. તેમજ કોઈને મળવાનું પણ આયોજન ન હોવાથી મુખ્યમંત્રી એરપોર્ટથી આર.આર. વરસાણી
સંકુલ અને ત્યાંથી પરત એરપોર્ટ જવા નીકળી ગયા હતા.
મોદી એ.કે. પટેલની બેઠક હજુ પણ કોયડો
આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે, તેમજ પ્રદેશકક્ષાએ પણ રાજકીય ફેરફાર થયા છે. માટે કોઈ નિર્ણય નજીકના દિવસોમાં જાહેર થાય તો નવાઈ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘણાં વર્ષો બાદ 91 વર્ષના સંઘના કાર્યકર એ.કે. પટેલને મળ્યા હતા. જો કે તે મીટિંગમાં શું ચર્ચા થઈ તે રાજકીય લોકો માટે કોયડો છે.

