ચરોતરમાં રૂ. 500 કરોડના ખર્ચે બનાવવામાં આવશે સરદાર ધામ

Wednesday 08th November 2023 05:59 EST
 
 

આણંદઃ દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસર પર સરદાર ધામના ચરોતર એકમની તરફથી આણંદમાં ‘એક શામ સરદાર કે નામ’ લોકડાયરા અને પાટીદાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના વિકાસ માટે આણંદમાં રૂ. 500 કરોડના ખર્ચે સરદાર ધામની એક અત્યાધુનિક ઇમારત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અત્યાધુનિક સરદાર ધામમાં હોસ્ટેલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ અને વ્યવસાયિક કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.
આણંદમાં યોજાયેલા ‘એક શામ સરદાર કે નામ’ કાર્યક્રમમાં 150થી વધુ ડ્રોન દ્વારા આકાશમાં સરદાર પટેલની પ્રતિકૃતિ બનાવી એક અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આણંદ અને સમગ્ર રાજ્યના પાટીદારો ઉપરાંત રાજકીય નેતા, સાંસદોએ હાજરી આપી હતી.
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન સરદારધામને અપાશે
સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજનું આ હિન્દુસ્તાન અસ્તિત્વમાં ન હોત. કરમસદમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન માત્ર રૂ. 1ના ટોકન પર વાપરવા માટે આપવામાં આવશે.
દીકરી પાસે રિવોલ્વર હોવી જોઈએઃ ગગજી સુતરિયા
ગગજી સુતરિયાએ આ પ્રસંગે કહ્યું કે, પાટીદાર જ નહીં તમામ ભારતીયોએ યહૂદીઓ પાસેથી શીખવા જેવું છે. આપણી દીકરી જ્યારે બહાર જાય તો તેની પાસે એક રિવોલ્વર લટકેલી હોવી જોઈએ. સરદાર ધામમાં લાઠીદાવની સાથે તલવાર ચલાવતાં શીખવવાનું શરૂ કરાયું છે. આત્મરક્ષા દીકરીઓનો અધિકાર છે. ઉજ્જવળ અને સ્વસ્થ સમાજનું નિર્માણ તો હોવું જ જોઈએ, પરંતુ પ્રાકૃતિક સમાજનું નિર્માણ પણ અવશ્ય થવું જોઈએ. આપણે સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ લેવો જોઈએ. સંપૂર્ણ પાટીદાર સમાજ દેશ-દુનિયામાં જ્યાંપણ ફેલાયેલો છે, ત્યાંથી અભિજાત્ય વર્ગની એક થિન્ક ટેન્ક બનવી જોઈએ. 10 હજાર દીકરા-દીકરીઓને તલાટીથી આઇએએસ, કોન્સ્ટેબલથી આઇપીએસ સુધી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાડા ત્રણ હજાર દીકરા-દીકરીઓને મોકલવામાં આવ્યાં છે.


comments powered by Disqus