છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 70.87 ટકા મતદાન

Wednesday 08th November 2023 06:33 EST
 
 

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 7 નવેમ્બરે મંગળવારે મતદાન થયું. પ્રથમ તબક્કાના આ મતદાનમાં કુલ 70.87 ટકા મતદાન નોંધાયું. પ્રથમ તબક્કાના મતદાનમાં 20 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં 20 વિધાનસભા બેઠક પર મતદાન થયું, જેમાં પોલીસ અને અર્ધલશ્કરી બળની સઘન સુરક્ષા તહેનાત કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ તમામ બેઠકોના કુલ 40,78,681 મતદાતાઓ પૈકી 70.87 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ચૂંટણીપંચના આંકડા મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આશરે 60.92 ટકા મતદાન નોંધાયું હતું, જે સાંજે પાંચ વાગ્યે વધીને 70.87 ટકા સુધી પહોંચ્યું હતું. પ્રથમ તબક્કામાં કુલ 5304 મતદાન મથક પર મતદાન થયું હતું, જેમાં કુલ 25,249 ચૂંટણીપંચના કર્મચારીઓ ફરજ પર હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નારાયણપુર, બિજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગની ઘટના નોંધાઈ હતી. આ ઘટનામાં સુરક્ષાબળને કોઈ નુકસાન પહોંચ્યું નથી.


comments powered by Disqus