પાલનપુરઃ નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ અને સસરા અવારનવાર મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાથી સાસુ અને વહુએ પોતાનાં બે નાનાં સંતાન સાથે રામનગર નજીક દાંતીવાડા ડેમમાં છલાંગ લગાવી હતી.
નાની ભટામલ ગામનાં પરિણીતા નયનાબા ચૌહાણ 8 વર્ષની દીકરી સપનાબા, 5 વર્ષના પુત્ર વિરમસિંહ તેમજ 55 વર્ષીય સાસુ કનુબા ગેનસિંહ ચૌહાણ સાથે સવારે ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક નીકળી ગયાં હતાં. તેમણે મોડી સાંજે રામનગર નજીક દાંતીવાડા ડેમમાં પરિવાર સાથે ઝંપલાવી આપઘાત કર્યો હતો. બીજી બાજુ સગાં દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન સાંજે ડેમની પાળ પાસે ચપ્પલ અને લેડીઝ પાકીટ પડેલું જોવા મળતાં બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી.

