સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સુરત ખાતે સાકાર થયેલા ડ્રીમ પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભારતીય નેવીના વોરશિપ ‘સુરત’ના અનાવરણ માટે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પૂર્વે તેમણે ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લઈને બુર્સની કોર કમિટી તથા જિલ્લા-શહેરના તંત્રવાહકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ‘સુરત ડાયમંડ બુર્સ’ અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે 14.38 હેક્ટરમાં પથરાયેલું આ ડાયમંડ બુર્સ 15 માળના 9 ટાવર સાથે 6.60 લાખ સ્ક્વેર મીટરની વિશાળ ફ્લોર સ્પેસ ધરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તેમજ મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આના પરિણામે દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વર્લ્ડ ક્લાસ ટ્રેડ સેન્ટર મળશે અને તેનો સીધો લાભ દેશ તથા રાજ્યના અર્થતંત્રને મળવા ઉપરાંત અનેક રોજગાર અવસરો ઊભા થશે.

