ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધ જહાજને ‘સુરત’ નામ અપાયું

Wednesday 08th November 2023 05:21 EST
 
 

સુરતઃ ભારતીય નૌકાદળના મુંબઈના મઝગાંવ ખાતે નિર્માણ પામી રહેલા યુદ્ધ જહાજને ‘સુરત’ નામ અપાયું છે. આ રીતે એક સમયે જહાજ નિર્માણ અને સમુદ્ર વ્યાપારના કેન્દ્ર એવા સુરત શહેરનું બહુમાન કરાયું છે. સુરતમાં નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યુદ્ધ જહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું.
સુરતની મેરિયોટ હોટેલમાં યોજાયેલા વોરશિપ ક્રેસ્ટ (ચિન્હ)ના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળે લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત 4 નેક્સ્ટ જનરેશન મિસાઇલ ડિસ્ટ્રોયર તૈયાર કર્યા છે. તેમાં ચોથા વોરશિપ તરીકે ‘સુરત’નું નામ આપવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવરૂપ છે. પહેલીવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. સુરત, લોથલ, ઘોઘા, ભરૂચ એક સમયે સમુદ્રી વ્યાપારનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો હતાં. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. આજે સુરત ભવિષ્યના આધુનિક ભારતના સૂર્યોદયનું પણ સાક્ષી બન્યું છે. સુરત વોરશિપ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે.


comments powered by Disqus