રાજકોટમાં 12 હજાર નંગ હીરા, રૂ. 8 લાખની ચોરીઃ 3 આરોપીઓ ઝડપાયા

Wednesday 08th November 2023 06:17 EST
 
 

રાજકોટઃ મવડી ચોકડી પાસે આવેલા સિવિક ઇમ્પેક્સમાં શ્રીજી ડાયમંડ નામની પેઢીમાં ત્રાટકેલા તસ્કરોએ તિજોરી તોડી કર્મચારીઓના પગાર માટે રાખેલા રૂ. 8 લાખ અને કરોડોની કિંમતના 12 હજાર કરતાં વધુ હીરાની ચોરી કરી નાસી છૂટતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો.
મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક વચ્ચે આવેલા સિવિક ઇમ્પેક્સ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે શ્રીજી ડાયમંડ પેઢી આવેલી છે. તેના માલિક મૂકેશભાઈ દુધાત્રા વહેલી સવારે પેઢીએ પહોંચ્યા ત્યારે પેઢીનું શટર અડધું ઊંચું જોવા મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા.

ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે થોડા જ સમયમાં ઘટનાને અંજામ આપનારા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ દ્વારા ચોરી પહેલાં રેકી કરી હતી. ત્રણ આરોપીઓ પૈકી બકુલ ઉર્ફે બકો અને પરેશ હીરા ઘસવાનું કામ કરે છે. અલગ અલગ જગ્યાએ જઈ થોડા દિવસ હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમજ કારખાનાની તમામ જગ્યા બરાબર જોઈ કારખાનામાં કઈ જગ્યાએ હીરા તેમજ રોકડ રાખવામાં આવે છે તે બાબતનું નિરીક્ષણ કરતા હતા. તેમજ તમામ રેકી કર્યા બાદ રાત્રે કારખાનાનું તાળું તોડી પ્રવેશ કરી હેમર ડ્રીલ જેવા ઓજારથી તિજોરી તોડી હીરા તેમજ રોકડ રકમ ચોરીને નાસી જતા હતા.

ઘટનાને અંજામ આપ્યા બાદ 2 જણા સુરત જતા રહ્યા

આરોપી બકુલ ઉર્ફે બકો ફેબ્રુઆરી મહિનામાં વી.પી. ઇનપેક્ષ નામના ડાયમંડના કારખાનામાં 3 – 4 દિવસ હીરા ઘસવા પણ આવ્યો હતો. એ જ સમયગાળા દરમિયાન તેણે હીરા કઈ જગ્યાએ રાખવામાં આવે છે. કારખાનું કેટલા વાગ્યે ખૂલે છે અને કેટલા વાગ્યે બંધ થાય છે તેની માહિતી મેળવી હતી. બનાવના 2 દિવસ પૂર્વે બકુલ ઉર્ફે બકો અને મુંગલપરા સુરતથી રાજકોટ આવ્યા હતા. તેમજ રાજકોટ આવ્યા બાદ મિત્ર જિતેશના ઘરે રોકાયા હતા. તેમજ ઘટનાને અંજામ આપ્યા બાદ બકુલ ઉર્ફે બકો અને મુંગલપરા સુરત જતા રહ્યા હતા.


comments powered by Disqus