વડોદરાઃ સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરાની સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા એવું વર્તન સામે આવ્યું, જેનાથી સંસ્કારી નગરી વડોદરાની ઓળખ પર કાળો ડાઘ લાગ્યો. સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જો કે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદમાં કોર્પોરેટરે 108 એમ્બુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં.
તબીબો-નર્સિંગ સ્ટાફ માનવતા ભૂલ્યા
સયાજી હોસ્પિટલના તબીબો-નર્સિંગ સ્ટાફની આ નિર્દયતા જાણીને ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકા તુરંત મદદે દોડ્યાં હતાં અને 108ને બોલાવી મહિલાને સારવારઅર્થે ખસેડ્યાં હતાં. આ તરફ જાગૃતિ કાકા જ્યારે હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે સ્ટાફ જાણે કંઈ થયું જ ન હોય તેમ પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. જે બાદમાં કોર્પોરેટરે મહિલા સાથે થયેલા વ્યવહારને લઈ ઇમર્જન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. આ સાથે કોર્પોરેટર જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહીની માગ કરી છે.

