નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા દેશોમાં વર્ષ 2022માં ભારત આઠમા ક્રમે આવતું હોવાનું સ્વિસ ગ્રૂપ ક્યુ-એરના અભ્યાસમાં જણાયું છે. શુક્રવારે ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 240થી 700ની આસપાસ હતો. તે પછી બીજા નંબરે પાકિસ્તાનના શહેર લાહોરનો એક્યુઆઇ 335 હતો. વિશ્વનાં સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરમાં દિલ્હી ટોચ પર છે, જ્યારે દુનિયાના ખતરનાકમાં ખતરનાક પ્રદૂષિત ટોપ -10 શહેરોમાં ભારતનાં 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શિયાળાને કારણે નીચું તાપમાન. પવનનો અભાવ તેમજ પડોશી રાજ્યોમાં ઘઉંની પરાળી સળગાવવાને કારણે દિલ્હી તેમજ આસપાસનાં શહેરોની હવા ઝેરીલી બનતી હોવાનું અને વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ખરાબ અને ઝેરીલી હવાને કારણે નવી દિલ્હીના 2 કરોડ લોકોને આંખમાં બળતરા થવાની તેમજ ગળામાં ખારાશની સમસ્યા સર્જાઈ હતી.
દિલ્હીમાં ચાર વર્ષે ફરી ‘ઓડ-ઇવન’, ધો. 10 અને 12 સિવાયના વર્ગો બંધ
ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ''ઓડ-ઈવન'' ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી. મુખ્યમંત્રી કેજરીવાલના અધ્યક્ષપદે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ માહિતી આપતાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ધો.10 અને 12 સિવાયના તમામ વર્ગો બંધ રાખવામાં આવશે.
આ ઉપરાંત તેઓએ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા યુપી સરકાર અને કેન્દ્ર સરકારને (એન.સી.આર.) અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં તો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે જ, છતાં ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે. લોકો દ્વારા ફટાકડા ફોડવામાં ન આવે તે માટે પોલીસ ટીમોને સતર્ક કરવામાં આવી છે.
ગોપાલ રાયે જણાવ્યું હતું કે, એક તરફ દિવાળી આવી રહી છેે હું યુપી અને હરિયાણાની બીજેપી સરકારોને અનુરોધ કરું છું કે ત્યાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
13 થી 20 નવેમ્બર સુધી લાગુ પાડવામાં આવનારી 'ઓડ-ઇવન' ફોર્મ્યુલા વિષે તેમણે કહ્યું કે, ઓડ-દિવસોમાં તે ગાડીઓને જ ચલાવવાની અનુમતિ આપવામાં આવશે કે જેના નંબરના અંતમાં 1, 3, 5, 7 અને 9 હોય. જ્યારે ઇવન-ડે પર તે ગાડીઓને જ ચાલવાની અનુમતિ મળશે કે જે નંબરના અંતે 0, 2, 4, 6 અને 8 નંબર હોય.
તેમણે કહ્યું કે, 30 ઓકટોબરથી પ્રદૂષણમાં વૃદ્ધિ જણાઈ હતી, તેથી ઉષ્ણતામાન ઘટે છે. હવાની ગતિ પણ ધીમી પડે છે. દિલ્હીમાં 365 દિવસ પ્રદૂષણ ઘટાડવા પ્રયાસો થતા હોય છે. તેમાં બાંધકામ પ્રવૃત્તિ પર રોક મૂકવાનો હુકમ પણ સમાવિષ્ટ છે.

