ભુજઃ ભુજથી 20 કિલોમીટર દૂર આવેલું અંતરિયાળ નાનકડું કુનરિયા ગામ ‘લગાન’ ફિલ્મના કારણે ચર્ચામાં આવ્યું હતું. લગાન પ્રસ્તુત થયાના આજે બે દાયકા પછી ગામે ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાને પહોંચવા કુનરિયા ગામ ભારતનાં શહેરોને પણ શિખામણ આપી શકવા સક્ષમ બન્યું છે. નેટ ઝીરો એમિશન મુદ્દે ગામમાં દૈનિક પ્રક્રિયામાં ઉત્સર્જિત થતાં 4700 કિલોગ્રામ કાર્બનને શોષવા માટે 2880 કિલોગ્રામ કાર્બન શોષી શકતાં 1.42 લાખ વૃક્ષો ગામમાં વાવી દેવાયાં છે.
કુનરિયા ગામની વસ્તી 3521 લોકોની છે અને ૭૫૧ ઘરો આવેલાં છે. રસોઈ, શ્વાસોશ્વાસ, ખેતી, પરિવહન, ઊર્જા સહિત વિવિધ જવાબદાર પરિબળો પર પંચાયતે પગલાં લઈ કાર્ય કર્યું છે. ગામમાં 1.60 લાખ વૃક્ષો વવાયાં હતાં, જેમાંથી 1.42 લાખ વૃક્ષો સફળતાપૂર્વક મોટાં થયાં છે. દરેક પુખ્ત વૃક્ષ દૈનિક 18 ગ્રામ કાર્બન શોષી લે છે. વર્ષ 2023માં હજુ પંચાયત દ્વારા 40 હજાર વૃક્ષો વાવવામાં આવશે.
પહેલાના સમયમાં અહીં ચૂલા ઉપયોગમાં લેવાતા હતા, જેનું બ્લેક કાર્બન ઉત્સર્જન ખૂબ ઘાતક હતું. તેને ઘટાડવા અહીં 500 ધુમાડારહિત ચૂલા પંચાયત દ્વારા વિતરણ કરાયાં. જેના કારણે શ્વાસોશ્વાસ પ્રક્રિયા સાથે માનવદેહ માટે 80 ટકા બ્લેક કાર્બનનું જોખમ ઘટ્યું છે. હાલ અહીં દરેક ઘરે ઉજ્જવલા યોજના સહિતના ગેસ પણ ઉપલબ્ધ છે, છતાં તેમાં ઘટાડો કરવા 50 પરિવાર બાયોગેસનું ઉત્પાદન કરી તેનો ઉપયોગ કરી રહ્યા છે. કમ્પોસ્ટ પીટ દ્વારા પંચાયતે ડિગ્રેડેબલ અને નોન ડિગ્રેડેબલ શ્રેણીમાં વિભાજિત કરી કચરા વ્યવસ્થાપન અમલી કર્યું છે.
હાલ ગામમાં કુદરતી કાર્બનની સ્થિતિ 0.03 ટકા છે, જે ખૂબ ખરાબ કહી શકાય..

