લંડનઃ બ્રિટનમાં અત્યાર સુધીની તાજપોશીઓમાં ક્યારેય અન્ય ધર્મના અગ્રણીઓને સ્થાન અપાયું નહોતું પરંતુ કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં પહેલીવાર એક હિન્દુ દ્વારા વેસ્ટમિન્સ્ટર એબી ખાતે બાઇબલનું વાંચન કરાયું. તે ઉપરાંત અલગ અલગ ધર્મોના પ્રતિનિધિઓ દ્વારા કિંગ ચાર્લ્સની તાજપોશીની પ્રક્રિયામાં રાજચિહ્નો અર્પણ કરાયાં હતાં.
આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ ઈંગ્લેન્ડમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, યહુદી સહિત અલગ અલગ ધર્મોના પ્રતિનિધિઓની હાજરી અંગે કહ્યું હતું કે, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એક એવું વાતાવરણ બનાવવાનું ચાલુ રાખશે જ્યાં દરેક ધર્મના લોકો સ્વતંત્રતાપૂર્વક રહી શકે. રેવ. જસ્ટિન વેલ્બી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા છે.
શીખ અગ્રણી લોર્ડ ઇન્દ્રજિત સિંહે કોરોનેશન ગ્લોવ અર્પણ કર્યાં
કિંગ ચાર્લ્સની તાજપોશીની વિધિમાં શીખ અગ્રણી 90 વર્ષીય લોર્ડ ઇન્દ્રજિત સિંહને કિંગને કોરોનેશન ગ્લોવ અર્પણ કરવાની કામગીરી સોંપાઇ હતી. લોર્ડ સિંહે જણાવ્યું હતું કે, આ મારું જ નહીં પરંતુ સમગ્ર શીખ સમુદાયનું સન્માન છે.
મુસ્લિમ અગ્રણી લોર્ડ સૈયદ કમાલે બ્રેસલેટની જોડી અર્પણ કરી
તાજપોશીની વિધિમાં ભારતીય-ગુયાનિઝ મૂળના 56 વર્ષીય લોર્ડ સૈયદ કમાલની પસંદગી કરાઇ હતી. તેમણે કિંગને બ્રેસલેટની જોડી અર્પણ કરી હતી.
હિન્દુ અગ્રણી લોર્ડ નરેન્દ્ર પટેલે સોવેરિન રિંગ અર્પણ કરી
રાજવી વિધિમાં 84 વર્ષીય લોર્ડ નરેન્દ્ર બાબુભાઇ પટેલે બ્રિટનમાં વસતા હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના દ્વારા કિંગ ચાર્લ્સને સોવેરિન રિંગ અર્પણ કરાઇ હતી.
યહૂદી બેરોનેસ ગિલિયન મેર્રોને કિંગને રોયલ રોબ અર્પણ કર્યો
યહૂદી ધર્મના આગેવાન બેરોનેસ ગિલિયન મેર્રોનને પણ તાજપોશીની વિધિમાં મહત્વની કામગીરી સોંપાઇ હતી. તેમણે કિંગને રોયલ રોબ અર્પણ કર્યો હતો.
હિન્દુ વડાપ્રધાન રિશિ સુનાકે બાઈબલમાંથી પાઠનું વાંચન કર્યું
લંડનઃ વેસ્ટમિન્સ્ટર એબીમાં શનિવારે ખ્રિસ્તી રાજા ચાર્લ્સ-3 અને રાણી કેમિલાના રાજ્યાભિષેક સમારંભમાં ભારતીય મૂળના હિન્દુ વડાપ્રધાન રિશિ સુનાકે બાઈબલનો એક પાઠ વાંચીને ઈતિહાસ સર્જ્યો હતો. 42 વર્ષીય બ્રિટિશ હિન્દુ નેતા રિશિ સુનાકે રાજ્યાભિષેક સમયે બ્રિટનના વડાપ્રધાનોને આપવામાં આવતી વાંચનની પરંપરાને અનુસરતા બાઇબલના નવા કરારમાંથી કોલોસીના પુસ્તકમાંથી વાંચન કર્યું હતું. રિશિ સુનાક અને તેમનાં પત્ની અક્ષતા મુર્તીએ યુનાઈટેડ કિંગ્ડમનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને વેસ્ટમિંસ્ટર એબીમાં લઈ જતા ફ્લેગ બેરીયરના સરઘસનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

