હરિશ નામે પણ ઓળખાતા હરિલાલ નારણદાસ પટેલ એટલે કે મને વેસ્ટમિન્સ્ટર એબે ખાતે નામદાર કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના 6 મેના દિવસે રાજ્યાભિષેક-તાજપોશીમાં આમંત્રિત થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
આ એક ચમત્કારિક પળ હતી. ખરેખર અકલ્પનીય પળ! કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના રાજ્યાભિષેકના સાક્ષી બનવા વેસ્ટમિન્સ્ટર એબે ખાતે સદેહે ઉપસ્થિત રહેવું તે બાબત ખરેખર મહાન અને અનોખો અનુભવ હોવા સાથે મહા સન્માન હતું જે જીવનમાં એક વખત પ્રાપ્ત થનારી તકસમાન હતું. આવા ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ હાજર રહેવામાં કેવી લાગણી અનુભવાય છે તેને અભિવ્યક્ત કરવું ભારે મુશ્કેલ છે.
હું જ્યારે 50 કરતાં વધુ વર્ષ પહેલા યુગાન્ડાથી નિર્વાસિત તરીકે યુકે આવ્યો ત્યારે મારા દૂર દૂર સુધીના સ્વપ્નમાં પણ કદી વિચાર્યું ન હતું કે એક દિવસ આ ‘રાજ્યાભિષેક’ના સાક્ષી બનવાનું અમૂલ્ય સ્મરણ મને પ્રાપ્ત થશે.
આ સમગ્ર ઈવેન્ટનું આયોજન ભારે ચોકસાઈપૂર્વક કરાયું હતું અને આ પરંપરાગત ક્રિશ્ચિયન સમારોહ હોવાં છતાં તમામ ધર્મના લોકોને તેઓ આ ઈવેન્ટનો હિસ્સો હોવાનું અનુભવતા હતા. આ ઐતિહાસિક પ્રસંગે આટલી મોટી સંખ્યામાં વિશ્વનેતાઓને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા નિહાળવા તે પણ ઉષ્માસભર અનુભવ હતો. તાજપોશીના સમારોહ અગાઉ આટલા બધા કોમનવેલ્થ દળોએ પરેડ પણ કરી હતી. સમગ્ર વિશ્વમાંથી આટલું વિશાળ અને વ્યાપક પ્રતિનિધિત્વ નિહાળવું તે આશ્ચર્યજનક બની રહ્યું! હિન્દુ ધર્મ તરફથી લોર્ડ પટેલને આ સમારંભનો હિસ્સો બનતા નિહાળવાનું ઘણું ગમ્યું.
વેસ્ટમિન્સ્ટર એબેમાં શાંતિ અને સંવાદિતાની લાગણી અનુભવાતી હતી. આ ઐતિહાસિક પ્રસંગે હાજર રહેતી વેળાએ મને લોકપ્રિય રીતે ‘રામ પટ્ટાભિષેકમ’ તરીકે ઓળખાતા ભગવાન રામના રાજ્યાભિષેકનું સ્મરણ થયું હતું
મને ખાતરી છે કે ભારે હમદર્દી ધરાવતા આપણા નવા રાજા ‘રામરાજ્ય’ના સિદ્ધાંતો એટલે કે પ્રગતિ, સમૃદ્ધિ અને શાંતિને અનુસરશે. અને તેમણે જેમ કહ્યું છે તેમ,‘હું સેવા કરાવવા નહિ પરંતુ, સેવા કરવા આવ્યો છું.’
ઈશ્વર તેમને દીર્ઘ અને તંદુરસ્ત જીવનનો આશીર્વાદ પાઠવે તેવી શુભેચ્છા.

