ગુજરાતમાં ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં નાના-મોટા ફેરફારની શક્યતા

Wednesday 10th May 2023 05:50 EDT
 
 

ગાંધીનગરઃ 10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયા પછી ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ થવાની શક્યતાઓ છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ મંત્રીમંડળમાં નાના-મોટા ફેરફાર થઈ શકે છે. આ જ રીતે બોર્ડ - નિગમોમાં રાજકીય નિમણૂક કરાશે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણયો લેવાશે.
છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણની તેમજ બોર્ડ - નિગમોમાં નિમણૂકોની વાતો થતી રહી છે. ભાજપના સિનિયર નેતાઓ કહેતા આવ્યા છે કે, કોઈ જ વિસ્તરણ કે બોર્ડ નિગમોમાં નિમણૂક થવાની નથી. મોવડીમંડળને આવુ કરવાની જરૂરિયાત પણ નથી. આવા અભિપ્રાયો વચ્ચે ફરીથી વિસ્તરણની વાતોએ જોર પકડ્યું છે. જે મુજબ 10 મેએ મતદાન અને 13મીએ ચૂંટણીનું પરિણામ છે, જે પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં કેટલાક ફેરફારો કરાશે. જાણકારોનું કહેવું છે કે, મોટા કે ધરખમ ફેરફારો નહીં થાય, પરંતુ નાના ફેરફારો થઈ શકે છે. જેમ કે મુખ્યમંત્રી પાસે મહેસૂલ, શહેરી વિભાગ જેવા મહત્ત્વના વિભાગોના વધારાના ચાર્જ છે. આ બંને વિભાગોમાં પબ્લિક ડીલિંગ રહેતું હોય છે, જ્યારે મુખ્યમંત્રી પાસે પહેલેથી જ અન્ય કેટલાય ખાતાની જવાબદારી હોવાથી આ બંને ખાતાંમાં અનેક ફાઇલોનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી. સામાન્ય અરજદારોને રજૂઆતો કરવી હોય તો પણ મુખ્યમંત્રી સુધી તેઓ પહોંચી શકતા નથી. આથી આ બંને વિભાગો અન્ય કોઈ મંત્રીને સોંપી શકાય છે, અથવા તો અન્ય ધારાસભ્યને મંત્રીપદ આપી શકાય છે. આ ફેરફારો ઉપરાંત અન્ય બેથી ત્રણ મંત્રીની કામગીરી નબળી છે, તેમના ખાતામાં ફેરફાર થઈ શકે છે.
જ્યારે ઠાકોર સમાજ સહિતના કેટલાંક બોર્ડ નિગમોમાં કેટલાક ધારાસભ્યોને નિમણૂક આપીને સાચવી લેવાશે. મહત્ત્વના નિગમોમાં નિમણૂક અપાશે નહીં.


comments powered by Disqus