સુરેન્દ્રનગરઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં ચોટીલા પર્વત પર રોપ-વેની જાહેરાત બાદ ટેન્ડરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જો કે તેની વિરુદ્ધ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવતાં કામ અટકી ગયું હતું. જો કે હાઇકોર્ટ દ્વારા હવે આ પીઆઇએલ ફગાવી દઈ રોપ-વે બનાવવાનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.
શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે આ રોપ-વેનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તે મે. માર્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા.લિ. કંપની આ કામ માટે બિનઅનુભવી છે અને ટેન્ડર પ્રક્રિયા વિના એક માનીતી કંપનીને આપી દેવાયો છે. મોરબીમાં ઓરેવા કંપનીને પુલ બનાવવાનો કોઈ અનુભવ નહોતો અને ત્યાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કારણ આપી મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું કે મે. માર્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા.લિ. કંપનીને કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ.
જો તે કંપની કામ કરશે તો મોરબી હોનારત જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેની સામે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને બિરેન વૈષ્ણવની બેન્ચે ચુકાદો આપતાં અરજી ફગાવી હતી, જેથી આ કાર્ય વચ્ચેની અડચણો દૂર થઈ ગઈ છે.

