5 મેએ શુક્રવારે વૈશાખી પૂનમ નિમિત્તે યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ખાસ દર પૂનમ ભરવા દૂરદૂરથી આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૈશાખ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ભગવાનના દ્વારે દર્શન કરવા પહોંચે છે. જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 5:15 વાગ્યે મંગળાઆરતી, જે બાદ 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યાં હતાં. આ બાદ 8:30 વાગ્યે ભગવાનને 3 ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પછી 12:30 સુધી ઠાકોરજીનાં રાજભોગ દર્શન પછી 4 વાગ્યે મંદિર ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન ઠાકોરજીને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા હતા. દૂરદૂરથી પગપાળા દર્શન કરવા આવેલા ભક્તોએ દર્શન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.

