નરોડા હત્યાકાંડમાં જજનું અવલોકનઃ કાવતરાના કોઈ પુરાવા નથી

પિંજારાને ત્યાં લાગેલી આગથી મૃત્યુ થયા હતા

Wednesday 10th May 2023 05:49 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ અને સીટના સ્પેશિયલ જજ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ 20 એપ્રિલે ભાજપના પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની, વિહિપના ડો. જયદીપ પટેલ, બાબુ બજરંગી સહિતના તમામ 67 આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકતો 1,728 પાનાંનો ઐતિહાસિક અને સીમાચિહનરૂપ ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદો સત્તાવાર રીતે ઘોષિત અને અપલોડ થયો હતો. કોર્ટે ચુકાદામાં બહુ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું છે કે, આરોપીઓ ગુનાઇત કાવતરું કરી, ગેરકાયદે મંડળી રચી કોઈ દુષ્કૃત્ય કે કોઈને જીવતા સળગાવાયા હોવાનું પુરવાર થતું નથી એસઆઇટીના તપાસનીશ અધિકારીએ ખરાઈ કે ચોક્કસાઈ કર્યા વગર સીધા નિવેદન પર આધાર રાખીને ચાર્જશીટ કરી હતી, જે શંકા ઉપજાવે છે અને એકતરફી ઈરાદાને આધિન તપાસ કરવામાં આવી છે. તેથી ફરિયાદપક્ષ તેનો કેસ સાબિત નહીં કરી શકતાં તમામ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે.
કોર્ટે ચુકાદામાં વધુમાં નિરીક્ષણ કરતાં જણાવ્યું કે, કેસની તપાસ દરમિયાન આરોપીઓએ મૃત્યુ પામનાર અબ્દુલ સત્તાર સુગરાબીબી, રઝિયાબાબી, કરીમાબીબી કોઈને જીવતા સળગાવ્યાં નથી, પરંતુ રફિક નડિયાદી તથા અબ્દુલ જીવાના ઘરમાં રહેલા ફ્ટાકડાના કારણે આગ લાગતાં ફ્ટાકડા ફૂટ્યા હતા અને બાજુમાં આવેલા પિંજારાના ઘરમાં રૂ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતાં તેઓ ચાલી ન શકવાથી ઘરની બહાર નીકળી શક્યા નહોતા. આમ ઘરમાં લાગેલી આગ અને આગમાં કમનસીબે ચારેયનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આમ તેઓને જીવતા સળગાવાયા હોવાની બાબતમાં કોઈપણ આરોપીની સંડોવણી પુરવાર થતી નથી અને તપાસ પણ આવી સંડોવણીને સમર્થન કરતી નથી. આ જ પ્રકારે ગુડલક ટાયરવાળા મોહંમદ રફિક અને તેના દીકરા અલ્લાઉદ્દીનને તેમજ અબ્દુલ સત્તારના ઘરમાં મૃત્યુ પામેલા અને મદીનાબેનના ઘરમાં મૃત્યુ પામેલા તમામને જીવતા સળગાવાયા હોવાની હકીકત પણ પુરાવાને આધીન ફરિયાદપક્ષ પુરવાર કરી શક્યા નથી.
સ્પેશિયલ જજ શુભદા બક્ષીએ ચુકાદામાં એવું પણ અવલોકન કર્યું હતું કે, એ હકીકત પણ સ્પષ્ટ થાય છે કે, તા.28-2-2002ના રોજ ઠાકોરવાસમાંથી મુસ્લિમ મહોલ્લા પર કોઈ પથ્થરમારો થયો નથી, કારણ કે એ દિવસે સંબંધિત આરોપીઓની ત્યાં હાજરી જ નહોતી. આ હકીકતને ખુદ ફરિયાદપક્ષને જ સમર્થનકારી પુરાવો રજૂ થયો છે, કારણ કે બનાવના દિવસે ઠાકોરવાસમાં આરોપીના સંબંધીનું નિધન થતાં બારમા-તેરમાની વિધિ હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, આ કેસમાં બનાવના દિવસે આરોપીની હાજરી, સમય અને સ્થળની વાતો સુસંગત થતી નથી અને અમુક આરોપીના કિસ્સામાં તો માત્ર બંને પક્ષે દીવાની કાર્યવાહીના કારણે આરોપીઓની સંડોવણી થયાનું જાહેર થાય છે. આમ નરોડા ગામ હત્યાકાંડના બનાવ સંદર્ભે રજૂ થયેલ સમગ્ર પુરાવો કોઈપણ રીતે કોઈપણ આરોપીને ગેરકાયદે મંડળી રચી, ગુનાઇત કાવતરું પાર પાડવા કોઈ દુષ્કૃત્ય કરી કોઈને પણ જીવતા સળગાવ્યા હોવાની હકીકતને લેશમાત્ર સમર્થન કરતો નથી.


comments powered by Disqus