અમદાવાદઃ પાઠ્યપુસ્તક મંડળે ધોરણ-7ના ગુજરાતી દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકમાં 1965 અને 1971ના યુદ્ધમાં ભારતીય સૈન્યની મદદ કરનારા રણછોડ રબારીના પ્રકરણને ઉમેર્યું છે. હિન્દી, અંગ્રેજી અને અન્ય મુખ્ય ભાષાના વિદ્યાર્થીઓ જે દ્વિતીય ભાષાનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ભણશે તેમાં પ્રકરણ- 7માં તેઓ રણછોડભાઈની વીરકથાનો અભ્યાસ કરશે. ફિલ્મ ‘ભુજ’માં સંજય દત્તે રણછોડ રબારીની ભૂમિકા ભજવી હતી.
પ્રકરણમાં આપેલી માહિતી પ્રમાણે 1965ના યુદ્ધમાં પાકિસ્તાને ગુજરાત સરહદે વિવિધ જગ્યાએ યુદ્ધનો મોરચો ખોલ્યો હતો. વિદ્યાકોટ બોર્ડર કબજે કરી 1200 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો કચ્છની સરહદે ભારતમાં ઘૂસી આવ્યા હતા. આ સમયે પાકિસ્તાની સૈનિકોનો સામનો કરવા રણછોડ રબારીએ આકાશના તારાની સ્થિતિ જોતાં સૈનિકોને ટૂંકા રસ્તેથી પાકિસ્તાની સૈનિકો સુધી પહોંચાડ્યા હતા.
વર્ષ 1971ના યુદ્ધમાં પણ રણછોડભાઈએ ઘાયલ અવસ્થામાં પણ ભારતીય સૈન્યની મદદ કરી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ તમામ બાબતોને પાઠ્યપુસ્તકમાં તસવીર સાથે વણી લેવાઈ છે. પ્રકરણ-7માં દર્શાવાયું છે કે, શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા છે અને બસ રણછોડદાસ ચેકપોસ્ટ ૫૨ ઊભી રહે છે. ત્યારબાદ શિક્ષકો રણછોડભાઈની સમગ્ર માહિતી વિદ્યાર્થીઓને આપે છે.

