બારડોલીઃ બારડોલી મહુવા રોડ પર બમરોલી ગામની સીમમાં શનિવારે બપોરે પૂરપાટ પસાર થતાં એક ડમ્પરચાલકે મારુતિ કારને સામેથી અડફેટે લેતાં કારમાં સવાર 7 વ્યક્તિ પૈકી 6ના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે એક કિશોરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વડોદરા ખાતે રેલવે પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં માંડવીના તરસાડા બારગામમાં રહેતા મહેશભાઈ રાઠોડ શનિવારે સવારે તેમનાં પત્ની વનિતાબહેન અને પુત્ર મિતકુમાર તથા પુત્રી નવ્યા રાઠોડને પોતાની મારુતિ કારમાં લઈ બારડોલી નજીક મહુવાના તરસાડી ગામે એક સગાને ત્યાં લગ્નપ્રસંગે આવ્યા હતા. લગ્નપ્રસંગ પતાવી મહેશભાઈનો પરિવાર અને એક ભાણેજ તથા બે ભાણી મળી સાત લોકો તરસાડા જવા નીકળ્યાં હતાં.
આ કાર તરસાડીથી માંડ ચાર કિલોમીટર દૂર આવેલા બમરોલી ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે એક ડમ્પરના ચાલકે મારુતિ કારને સામેથી અડફેટે લીધી હતી. જેમાં મહેશભાઈ રાઠોડ, વિનતાબહેન રાઠોડ, નવ્યાબહેન રાઠોડ, મેઘાબહેન પટેલ, તમન્નાબહેન પટેલ, અક્ષિતકુમાર પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

