નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 89 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ થોડા સમયથી બીમાર હતા. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ કહ્યું હતું કે, લેખક અને સામાજિક તેમજ રાજકીય કાર્યકર અરુણ ગાંધીના કોલ્હાપુરમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષોથી મહિલાઓ માટે કામ કરતી અવની સંસ્થા સાથે જોડાયેલા હતા. અરુણ ગાંધીનો જન્મ ડર્બનમાં 14 એપ્રિલ 1934ના રોજ થયો હતો. તેઓ મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાના પુત્ર હતા. અરુણ ગાંધીએ તેમના દાદા મહાત્મા ગાંધીના પગલે ચાલવાનો નિર્ણય લીધો હતો.

