રિલાયન્સ ઝૂ માટે દ.આફ્રિકાથી આવ્યાં 20 હરણઃ અત્યાર સુધી 270 પ્રાણી લવાયાં

Wednesday 10th May 2023 05:50 EDT
 
 

અમદાવાદઃ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેલિબિટેશન કિંગડમ નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતમાં બની રહેલા આ પ્રથમ પ્રાઇવેટ ઝૂમાં વિદેશથી વિવિધ પ્રાણીઓ લાવવામાં આવી રહ્યાં છે. અહીં લોકો નાઇટ સફારીનો આનંદ પણ ઉઠાવી શકાશે. આ પ્રોજક્ટ ઝડપી પૂર્ણ કરવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુરુવારે દક્ષિણ આફ્રિકાથી જમ્બો કાર્ગો વિમાનમાં 11 જેટલાં સ્પેશિયલ બોક્સમાં 20 જેટલાં હરણ-સાબર લાવવામાં આવ્યાં હતાં.
આ વર્ષમાં આવેલા સાતમા કાર્ગો વિમાનમાં 20 પ્રાણીઓ સાથે 270 પ્રાણીઓનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટ પર અગાઉ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 39 મન્કીઝ-ચિન્પાન્ઝી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે 10 મહિનામાં છ કાર્ગો વિમાન દ્વારા દ.આફ્રિકાથી અમદાવાદ એરપોર્ટ પર 270 જુદાંજુદાં પ્રાણીઓ આવી ચૂક્યાં છે.
પ્રાણીઓને લઈ બીજું વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે 11મેએ આવશે. વિમાનમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે માટે યોગ્ય તાપમાન જાળવવામાં આવ્યું હતું. તેમને ખાવા માટે વિમાનમાં ઘાસચારો પણ લાવવામાં આવ્યો હતો. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લીયરન્સ કરાયું હતું. દરમિયાન આ વિમાન પ્રાણીઓેને લઈ જામનગર ખાતે પહોંચ્યું હતું.


comments powered by Disqus