રૂ. 60 લાખ લઈ એજન્ટે ચૌધરી પરિવારને ટેક્સીના બદલે હોડીમાં મોકલ્યો હતો

Wednesday 10th May 2023 05:50 EDT
 
 

મહેસાણાઃ કેનેડાથી હોડી મારફતે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતી વખતે વિજાપુરના માણેકપુર ગામના 4 સભ્ય કેનેડામાં હોડી પલટી જતાં મૃત્યુ પામ્યા હતા. ઘટનાના એક મહિના પછી વડાસણ અને દઢિયાળાના ત્રણ એજન્ટ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
ફરિયાદની વિગત અનુસાર રૂ. 60 લાખમાં કેનેડાથી ટેક્સી મારફતે ચારેયને અમેરિકા ઘૂસાડવાના હતા, પરંતુ હોડીમાં લઈ જવાતાં અને દુર્ઘટના સર્જાતાં ચારેયનાં મોત થયાં હતાં. ફરિયાદમાં સોદો નક્કી કરનારા વિજાપુરના નિકુલસિંહ વિહોલ, વડાસણના સચિન વિહોલ અને વિસનગરના અર્જુન ચાવડાના નામનો ઉલ્લેખ છે. બનાવના થોડાક દિવસ પૂર્વે સચિન કેનેડા ભાગી ગયો હોવાનો આક્ષેપ છે. જ્યારે પોલીસ ફરિયાદ થયા પહેલાં અન્ય આરોપી પણ ક્યાંક ભાગી છૂટ્યા હોવાની આશંકા છે. કુકરવાડા ખાતે ફાઇનાન્સનું કામ કરતાં નિકુલસિંહ વિહોલે તે અને તેના સાથીદાર લોકોને અમેરિકા મોકલવાનું કામ કરતા હોવાનું કહ્યું હતું. તેમણે મૃતક પરિવાર પાસેથી વ્યક્તિદીઠ રૂ. 15 લાખ લીધા હતા અને કેનેડાથી ટેક્સી મારફતે અમેરિકા પહોંચાડવાની જવાબદારી લીધી હતી..
નિકુલસિંહ વિહોલે એમ પણ કહ્યું હતું કે, સચિન કેનેડા પહોંચી ગયો છે અને તમારી ટિકિટ બુક થઈ જાય પછી પેમેન્ટ કરી દેજો. એ પછી નિકુલસિંહે વિનીપેગથી મોન્ટેરિયલ જવાની ટિકિટ બુક કરી વ્હોટ્સએપ ૫૨ મોકલી હતી. અંતે ચૌધરી પરિવારે મિત્રો અને સગાં પાસેથી રૂ. 60 લાખ ઉછીના લઈ ભેગા કર્યા હતા.
પરિવાર કેનેડા પહોંચ્યો પછી અત્યારે ટેક્સી મારફતે જવાની લાઇન ક્લીયર ન હોવાનું કહી 6થી 7 દિવસ પરિવારને જુદાજુદા સ્થળે ફેરવ્યો હતો. છેલ્લે ટેક્સીને બદલે હોડીમાં જવું પડશે તેમ કહી પરિવારને હોડીમાં બેસાડી દીધો હતો.
અંતે દુર્ઘટનામાં પરિવારના ચારેય સભ્યનાં મોત થયાં હતાં.


comments powered by Disqus