અમદાવાદઃ વડાપ્રધાન, ભાજપના દિગ્ગજ નેતા - કેન્દ્રીય પ્રધાનોના ફોટો બતાવીને કરોડોનું ફુલેકું ફેરવનારા મહાઠગ સંજય રાય શેરપુરિયાને લઈને ઉત્તરપ્રદેશ પોલીસ અમદાવાદ પહોંચી છે. રવિવારે મોડીરાત્રે સંજયને લઈને આવેલી યુપી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. સંજય રાયની અમદાવાદ ઉપરાંત ગાંધીનગરસ્થિત ત્રણેક ઓફિસની તપાસ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં હોટેલના વેઇટર તરીકે નોકરી કરતા સંજય રાયે કરોડોનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું તે અંગે પોલીસે વિગતો મેળવવાની શરૂ કરી છે. સંજયને પોલીસ હવે કચ્છ લઈને ગુપ્ત ડાયરી સહિતના દસ્તાવેજો એકત્ર કરશે.
સંજય રાયની પત્ની, સગાંસંબંધી -મિત્રો ભૂગર્ભમાં
કરોડોનું ફુલેકું ફેરવનારા મહાઠગ સંજય રાયની તપાસનો દોર શરૂ થયો છે. ઠગની પત્ની કંચન રાય પણ હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ સિવાય તેની નજીકનાં સગાંવહાલાં અને મિત્રો પણ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સંજય રાયનું કચ્છ અને સૌરાષ્ટ્ર કનેક્શન
લેખક, સામાજિક કાર્યકર, ઉદ્યમી તરીકેની ઓળખ ઊભી કરનારા મહાઠગ સંજય રાયે દિલ્હીમાં રાઇડિંગ ક્લબમાં કબજો કરીને ઇન્ક્યુબેટર સેન્ટર ઊભું કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ મંત્રી વાસણ આહિર પણ દિલ્હીમાં સંજય રાયને મળતા હતા. ખુદ સંજય રાયે આ ફોટો સાથેની વિગતો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગ્રામીણ વિકાસના નામે દિલ્હીસ્થિત ઇન્ક્યુબેટર સેન્ટરમાં ઠગ સંજયરાય શેરપુરિયા કેન્દ્રીય પ્રધાનોથી માંડીને ભાજપના નેતાઓને આમંત્રણ આપતો હતો. જો મંત્રી, ભાજપના નેતા કે અન્ય કોઈ પર્સનાલિટી આવે તો તેના ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતો હતો.

