સુરતઃ કોરોના સમયે હજારો દર્દીઓના જીવ બચાવવામાં ઉપયોગી સાબિત થયેલાં વેન્ટિલેટર હાલ સુરત સિવિલની કિડની હોસ્પિટલમાં નધણિયાતી અને બદ્તર હાલતમાં ધૂળ ખાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે પીએમ કેરમાંથી ફાળવવામાં આવેલાં 100થી વધુ વેન્ટિલેટર ભંગારની જેમ મૂકી દેવાયાં છે. આ મશીનોનો સૌથી મોટો દુશ્મન ધૂળ અને ભેજ છે. જે સ્થળે આ મશીનો પડ્યાં છે તે જોઈને સ્પષ્ટ જણાય છે કે તે સારી સ્થિતિમાં રહી શકે નહીં. આ મશીનો ખૂબ સંવેદનશીલ હોય છે અને તેને ઉપયોગ વિના મૂકી રાખો તો ઝડપથી ખરાબ થઈ જાય છે.
ફિલ્ટર ખરાબ થાય તો મશીન બગડે
વેન્ટિલેટરનું કામ દર્દીને ફ્રેશ ઓક્સિજન આપવાનું છે, ધૂળથી મશીનના ફિલ્ટર ખરાબ થઈ જાય છે, જેની કિંમત લાખો રૂપિયા થાય છે. ધૂળ અને ભેજથી બચાવવા જ વેન્ટિલેટર મશીનને ICUમાં રાખવામાં આવે છે. ધૂળ અને ભેજના કારણે દર્દીને જોઈતો ઓક્સિજન આપતાં સેન્સર પણ બગડી જાય છે. વેન્ટિલેટરને બચાવવા દરેક બેડ પર વેન્ટિલેટર મૂકી વારાફરથી તેનો ઉપયોગ કરવો જોઈતો હતો, અથવા જિલ્લા હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલોને વાપરવા આપવાં જોઈતાં હતાં.

