અમદાવાદ સહિત 7 જિલ્લામાં પતંગોત્સવઃ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનો રંગ

Wednesday 11th January 2023 05:32 EST
 
 

અમદાવાદઃ અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને રવિવારે 8 જાન્યુઆરીએ સવારે ખુલ્લો મૂકવામાં આવ્યો. બે વર્ષ પછી 68 દેશના પતંગબાજોએ મહોત્સવમાં ભાગ લીધો હતો. ઉદ્ઘાટન વખતે બલૂન્સ આકાશમાં છોડવામાં આવ્યા હતા, તે પછી વિદેશી પતંગબાજોની પરેડ યોજાઈ હતી. આ સમયે સ્ટેજ પર અનેક વિદેશી મહેમાનો હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ પછી કાઇટ ફ્લાઇંગ ઝોનમાં એકસાથે અનેક નાના-મોટા અને વિવિધતાપૂર્ણ પતંગથી આકાશ છવાઈ ગયું હતું. 68 દેશના જાણીતા કાઇટ ફ્લાયર્સની સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવેલા પતંગબાજ ઉપરાંત ભારતના અન્ય રાજ્યોના નિષ્ણાતોએ આંગળી જેટલા ટચુકડા પતંગથી લઈ વિશાળ કદના પતંગ ઊડાવ્યા હતા. આ વર્ષે જી-20 થીમ પર મહોત્સવનું આયોજન થયું છે, ત્યારે આ પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત રાજ્યનાં અન્ય 6 શહેરમાં પણ યોજાનાર છે. વહેલી સવારથી જ શહેરના લોકો પતંગ મહોત્સવની મજા લેવા રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા.
સિટી વિસ્તારનાં મોટાભાગનાં ધાબા બુક
ઉત્તરાયણની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકો શહેરના કોટ વિસ્તારમાં આવતા હોય છે. પોળોનાં ધાબા ઉપર પતંગ ચગાવવા માટે લોકો ધાબાં ભાડે લેતા હોય છે. 10 હજારથી સવા બે લાખ રૂપિયા સુધીના પેકેજ પ્રમાણે લોકોને ધાબા ભાડે આપવામાં આવે છે.
રાજ્યમાં પતંગ ઉદ્યોગનું
ટર્નઓવર રૂ. 650 કરોડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પતંગ-દોરીનો વેપાર માત્ર રૂ. 8-10 કરોડનો હતો, જે હવે રૂ. 625 કરોડ પર પહોંચ્યો છે. દેશમાં આ ઉદ્યોગમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે, જેમાં 1 લાખ 30 હજાર લોકો રોજગારી મેળવે છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ વખતે 68 દેશોના 125 અને 14 રાજ્યોના 65 પતંગબાજો મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડો ખાતે પણ આ મહોત્સવનું આયોજન થયું છે.


comments powered by Disqus