અમદાવાદના શાહીબાગમાં ફ્લેટમાં લાગી આગઃ કિશોરીનું મોત

ફાયરબ્રિગેડની ટીમની બેદરકારીથી કિશોરીનું મોત થયું હોવાનો આરોપ

Saturday 07th January 2023 06:18 EST
 

7 જાન્યુઆરીએ શનિવારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 11 માળની રહેણાક બિલ્ડિંગ ઓર્ચિડ ગ્રીનના સાતમા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી ગઈ, જેમાં એક કિશોરીનું મોત નીપજ્યું. સમગ્ર મામલામાં સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમ પર અનેક આરોપ કરવામાં આવી રહ્યા છે.

શાહીબાગના ઓર્ચિડ ગ્રીન એપાર્ટમેન્ટના સવારે 7:12 વાગ્યે આગ લાગી હતી. ઘટના બનતાં જ એક સ્થાનિક દ્વારા ફાયરબ્રિગેડને ફોન કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની 20 મિનિટમાં ફાયરબ્રિગેડની ટીમ ત્યાં દોડી આવી હતી, પરંતુ તેમની પાસેનાં સાધનો ટાંચાં સાબિત થયાં હતાં.
ઘટનાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે આવેલી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સૌપ્રથમ નીચેથી જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જે માત્ર પાંચમા માળ સુધી જ પહોંચી શક્યો હતો. પાણીનો મારો સાતમા માળ સુધી ન પહોંચી શકતાં ત્યારબાદ સ્નોરકેલ એટલે કે સીડી ખોલવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ખૂલી ન હતી.
ફાયરબ્રિગેડની ટીમની આ બેદરકારી બાદ એક સ્થાનિક દ્વારા સામેની વિંગમાંથી પાણીનો મારો ચલાવવાનું જણાવાયું હતું, જે બાદ ફાયરની ટીમે અન્ય એક વિંગમાંથી સાતમા માળે પાણીનો મારો ચલાવ્યો હતો, જો કે આગ પર પાણી છાંટતા આ દરમિયાન 7:55 વાગી ગયા હતા. આ મહત્ત્વની 45 મિનિટ જેટલો સમય વીતી ગયો હતો. અને કિશોરી પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ વધારે દાઝી ગઈ હતી.
 
સ્થાનિકોનો ફાયરબ્રિગેડ પર આરોપ

સ્થાનિકોએ આ અંગે આરોપ કર્યો હતો કે, 7:12 વાગ્યે લાગેલી આગ અંગે ફાયરબ્રિગેડે યોગ્ય સમયે અને યોગ્ય સાધનો સાથે કાર્યવાહી કરી હોત તો આગમાં મૃત્યુ પામેલી કિશોરી પ્રાંજલને બચાવી શકાઈ હોત. 7:32 વાગ્યે આવ્યા બાદ ફાયરબ્રિગેડે પોતાનાં ટાંચાં સાધનો સાથે ઝઝૂમવું પડ્યું હતું અને યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. સાતમા માળના આ ફ્લેટમાં ફાયરબ્રિગેડે છેક 7:55 વાગ્યે પાણીનો મારો ચલાવ્યો હતો. આ દરમિયાન ફ્લેટની આગ અત્યંત વિકરાળ સ્વરૂપ પકડી ચૂકી હતી અને બચાવની રાહમાં ગેલેરીમાં ઊભેલી પ્રાંજલ ગંભીર રીતે દાઝી જવાની સાથે બેભાન થઈ ચૂકી હતી. જો આ 45 મિનિટના સમયમાં યોગ્ય કાર્યવાહી થઈ હોત, સ્નોરકેલ ખૂલી ગઈ હોત તો ફ્લેટમાં આગ પર કાબૂ મેળવવાની સાથે પ્રાંજલનું રેસ્ક્યૂ પણ કરાયું હોત.

ચીફ ફાયર ઓફિસરે પોતાનો કર્યો બચાવ

ઓર્ડિડ ગ્રીનમાં આગ લાગવા અંગે અમદાવાદ પશ્ચિમ ચીફ ફાયર ઓફિસર જયેશ ખરાડીએ આ અંગે જણાવ્યું કે, ફાયરની ટીમ પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે પહેલાં ફ્લેટની હોઝરીલનો ઉપયોગ કર્યો હતો. સ્નોરકેલ અંગે પૂછતાં જયેશ ખરાડીએ બચાવમાં કહ્યું હતું કે, સ્નોરકેલ ન ખૂલી તે વાત ખોટી છે. લોકો તો બોલે પણ તેમને ટેકનિકલ બાબતોની ખબર નથી હોતી. આ તો સાતમો માળ હતો, પચ્ચીસ માળની ઇમારતમાં આગ લાગે તો પણ ફાયરની ટીમ પાસે અદ્યતન ટેક્નોલોજીનાં સાધનો છે, જેનાથી આગ બુઝાવી શકાય. જો કે જયેશ ખરાડી પોતાનો બચાવ કરતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું.

મહત્ત્વના સવાલ

સ્નોરકેલમાં ખામી નહીં, તો નીચેથી - અન્ય વિંગથી પાણી કેમ છોડાયું ?
સ્નોરકેલ ખુલ્લી હતી તો કિશોરીનું રેસ્ક્યૂ કેમ ન કરી શકાયું ?
શું ફાયરની ટીમ દ્વારા સાધનોનું નથી કરાતું નિરીક્ષણ ?
ઓર્ચિડ ગ્રીનની ફાયર સિસ્ટમ પણ નહોતી કાર્યરત્ ?
 
ગેસ ગીઝર ફાટવાના કારણે આગ લાગ્યાની આશંકા

ઓર્ચિડ ગ્રીનના આ ફ્લેટમાં આગ લાગવાનું મુખ્ય કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો બાથરૂમનું ગેસ ગિઝર ફાટવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરના લાશ્કરોએ લગાવ્યું છે. ગેસ ગિઝર ફાટ્યું હોવાથી આગે આટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

ફાયરબ્રિગેડની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ

અમદાવાદમાં સતત હાઇરાઇઝ રહેણાક ઇમારતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવા કિસ્સામાં ઊંચાઈ પર આવેલા ફ્લેટમાં આગને કેવી રીતે કાબૂમાં લેવી કે ફાયરબ્રિગેડની ટીમ માટે મોટો પડકાર જણાય છે. ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમા માળે ફસાયેલી પ્રાંજલનું રેસ્ક્યૂ પણ ફાયર ટીમ ન કરી શકી, ત્યારે 25 માળ ઊંચી ઇમારત પરથી કોઈનું રેસ્ક્યૂ કરવું કે આગ પર કાબૂ મેળવવો શું અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ માટે શક્ય છે?


comments powered by Disqus