ગાંધીનગર: ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF અર્થાત ‘અમૂલ’ના મેનેજિંગ ડિરેક્ટર પદેથી ડો. રૂપિન્દરસિંઘ સોઢીની હકાલપટ્ટી થઈ છે. ગાંધીનગરના ભાટ ગામે આવેલા પ્લાન્ટમાં સોમવારે GCMMF બોર્ડના ચેરમેને શામળભાઈ પટેલે બોર્ડની બેઠક બોલાવી હતી. ચારેક કલાક સુધી બોર્ડમાં ઉગ્ર બોલાચાલી બાદ રાજીનામું આપવા તૈયાર ન થતાં ડો. સોઢીને હટાવીને અમૂલ ફેડરેશનના CEO જયંત મહેતાને તાત્કાલિક અસરથી MDનો ચાર્જ સંભાળી લેવા આદેશ કરવામાં આવ્યો હતો.
ચેરમેન શામળ પટેલ, વાઇસ ચેરમેન વાલમજી હુંબલ સહિત 18 જિલ્લા સંઘના ડિરેક્ટર્સની હાજરીમાં મળેલી GCMMFની બોર્ડ મિટિંગમાં MD તરીકે હવે સોઢીને વધુ મુદ્દત ન આપવાનું કહેતાં ડો.સોઢી ભડક્યા હતા. વયનિવૃત્તિ બાદ ડો. સોઢી ચાર વખત MD તરીકે મુદ્દત વધારો મેળવી રહ્યા હતા. નવા એક્સટેન્શન માટે નનૈયો ભણવાની સાથે બોર્ડના સભ્યોએ ડો.સોઢીની દીકરી સાહિબા મારફતે અમૂલમાં થયેલાં કૌભાંડો ઉઘાડા કર્યાં હતાં. બોર્ડના સભ્યોના કહેવા મુજબ ડો.સોઢીની દીકરીએ દૂધ અને તેના ઉત્પાદનના પરિવહન માટે પંજાબના ટ્રાન્સપોર્ટર્સને 700 જેટલી ટ્રકનો કારોબાર સોંપ્યો હતો. એટલું જ નહીં પશ્ચિમ બંગાળના વેપારીઓ સાથે કાર્ટેલ રચીને સસ્તા ભાવે મિલ્ક પાઉડર સપ્લાય કરતા ફેડરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વિદેશોમાં અમૂલનાં ઉત્પાદનો વેચવા એજન્સીઓની ફાળવણીમાં પણ એકહથ્થુ અધિકારનો ઉપયોગ કરીને પોતાના મળતિયાઓને ફાયદો કરાવ્યો છે. આથી તેમને MDપદેથી હટાવતાં બોર્ડે CEO જયંત મહેતાની નિમણૂક કરતો ઠરાવ કર્યો હતો. બાદમાં ચેરમેન શામળ પટેલે આણંદની ડો.સોઢીની ઓફિસ સીલ કરીને GCMMFની વિજિલન્સ ટીમને તપાસ કરવા આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાં ડો.સોઢી 12 વર્ષથી MDપદે હતા. ઉપરોક્ત ઘટનાક્રમ બાદ તેમણે સામેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યાના અહેવાલો વહેતા થતા બોર્ડે તેમના સ્થાને 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા જયંત મહેતાની નિમણૂક કર્યાનો પત્ર જાહેર કર્યો હતો.
AAP - TMCના મળતિયાને પોષણ આપ્યું ?
GCMMF- અમૂલના ૧૮ દૂધ સંઘોમાં ભાજપનું વર્ચસ્વ છે. કહેવાય છે કે ડો. સોઢી અને તેમની દીકરી સાહિબાએ પંજાબ અને પશ્ચિમ બંગાળના વેપારી, ટ્રાન્સપોર્ટર્સને ફાયદો કરાવી આપ્યો તે પૈકી કેટલાંક AAP અને TMC સાથે સંકળાયેલા હતા. આમ ગુજરાતમાં લાખો વિધવા, ગરીબ પશુપાલકોની ખરી મહેનતે ઊભી થયેલી વાર્ષિક રૂ. 61 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાના બળે અન્ય રાજ્યોના વેપારી, ટ્રાન્સપોર્ટર્સ તગડા થયાનું ધ્યાને આવતાં ભાજપ હાઇકમાન્ડે બોર્ડ મારફતે આ નિર્ણય કરાવ્યાનું કહેવાય છે.

