ઈટાલિયાનો ગુજરાત નિકાલ, ઈસુદાન ‘આપ’ પ્રદેશ પ્રમુખ

Wednesday 11th January 2023 05:41 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ સંગઠનમાં પરિવર્તન કર્યાં છે. ચૂંટણી પહેલાં ધર્મવિરોધી નિવેદનો કરનારા પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ગુજરાતમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેમને રાષ્ટ્રીયસ્તરે સહમંત્રી બનાવીને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવી દેવાયા છે, જ્યારે તેમના સ્થાને ઇસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા છે. ગઢવીને અગાઉ રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા હતા, તેને બદલે હવે તેમને ગુજરાતમાં જવાબદારી સોંપવામાં આવી છે.
તે સિવાય ધારાસભ્ય ચૈતર વસાવા અને ચૂંટણીમાં હારી ચૂકેલા ઉમેદવાર અલ્પેશ કથીરિયા, જગમાલ વાળા, કૈલાસ ગઢવી અને ડો. રમેશ પટેલની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાઈ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડો. સંદીપ પાઠકે આ અંગેની જાહેરાત બુધવારે કરી હતી. ગુજરાતમાં 12 ટકાથી વધુ વોટશેર મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઊભા રાખશે, તે પૂર્વે ઇસુદાનને માથે ગુજરાતની જવાબદારી સોંપી દીધી છે. વિધાનસભા ચૂંટણી બાદ દિલ્હીમાં આપે ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરી સંગઠન બદલવા ઇશારો આપી દીધો હતો.
આ સિવાય આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની તર્જ પર ગુજરાતમાં છ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરી છે. આ દરેક કાર્યકારી અધ્યક્ષને ગુજરાતના વિવિધ ઝોનની જવાબદારી આપવામાં આવી છે. એક મહિલા નેતા સહિત બે પાટીદાર, એક આદિવાસી, એક કોળી નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. હવે થોડા સમયમાં જ આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં પોતાના નવા સંગઠનની જાહેરાત ક૨શે.


comments powered by Disqus