જૂનાગઢના પવિત્ર યાત્રાધામ તરીકે પ્રચલિત ગિરનાર પર બિરાજતાં મા અંબાજીનાં દર્શન માટે લોકોને કઠિન યાત્રા ન કરવી પડે તે માટે રોપ-વે બનાવ્યા પછી યાત્રિકોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. મંદિરમાં માનવમહેરામણ ઊમટે છે, પણ અહીં આવતા યાત્રિકો માટે પાયાની કોઈ સુવિધા જ નથી. પાણી અને ટોઇલેટ બ્લોક ન હોવાના કારણે યાત્રિકોની પરેશાની વધી છે.
અહીં વ્યવસ્થા બધી ઊભી કરવામાં આવી છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે એ બધું જ કરવા પાછળ રૂ.દોઢ કરોડ ખર્ચ્યા પહેલાં એ વિચાર સરકારી બાબુઓને પાણી પહોંચાડવાનો ખ્યાલ જ ન આવ્યો. ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 1 કરોડના ખર્ચે ટોઇલેટ બ્લોક બનાવામાં આવ્યા એ પછી પાણી પહોંચાડવા માટે સોલાર પેનલનો 25 વોટનો પ્લાન્ટ મૂકવામાં આવ્યો પણ હવે પાણી ક્યાંથી લાવવું એ કોઈને સમજ પડતી નથી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય શૈલેષભાઈ દવેએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લી બેઠકમાં અમે તમામ સભ્યોએ લોકોની પાયાની આ જરૂરિયાત અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે અને આ મામલે તાત્કાલિક કોઈ નિર્ણય કરવામાં આવે તેવી માગણી છે.
ગિરનાર પર્વત પર જૂનાગઢ કરતાં વધારે વરસાદ પડે છે પણ અહીં પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. જ્યારે પ્રવાસીઓ માટે રોપ-વે કરવામાં આવ્યો ત્યારે પાણીના મામલે પણ ચર્ચા થઈ હતી. આ પછી સરકારે પ્રવાસીઓના હિત માટે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવા છૂટા હાથે નાણાં આપ્યાં અને સરકારી બાબુઓએ ટોઇલેટની વ્યવસ્થા માટે રૂ. 1 કરોડ જેટલો ખર્ચ કરીને બ્લોકનું નિર્માણ કર્યું. એ પછી લાઇટની સમસ્યાના નિરાકરણ માટે રૂ. 40થી 50 લાખનો ખર્ચ કરીને સોલાર પ્લાન્ટ ગોઠવી દેવાયો.
માત્ર પાણી નથી એટલે છેલ્લાં દોઢ વર્ષથી આ સુવિધા પ્રવાસીઓને મળતી નથી. પ્રવાસીઓને પીવાનું પાણી આપવું અને ટોઇલેટ બ્લોક તેમજ ત્યાં પાણીની વ્યવસ્થા કરવી એ જવાબદારી આજ સુધી નક્કી ન થઈ નથી. આ જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડની જ છે પણ ઉચ્ચ હોદ્દા ભોગવતા અને એસીમાં બેસીને દેશી લોકો પણ ન કરે એવી ભૂલો કરતા અધિકારીઓ એ જગ્યાએ ગોથું ખાઈ ગયા કે પહેલા પાણી ક્યાંથી લાવવું એ નક્કી ન કર્યું અને હવે યાત્રિકો પરેશાન થાય છે.
પવિત્ર યાત્રાધામ સમિતિએ નાણાં વેડફવા બદલ ફરિયાદ કરવી જોઈએ
ગિરનાર પર આવતા યાત્રિકોને પાણી અને ટોઇલેટની વ્યવસ્થા માટે સરકારે રૂ. દોઢ કરોડ જેટલી માતબર રકમ ખર્ચી નાખી. રૂ. દોઢ કરોડનું આંધણ કર્યા પહેલાં કોઈપણ જાતની રૂપરેખા નક્કી ન કરનારા અધિકારીઓ સામે સરકારને બદનામ કરવાના હેતુએ વગર વિચાર્યે કામ કર્યાની ફરિયાદ ખુદ યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યોએ જ કરવી જોઈએ તેવું જનતાનું કહેવું છે.

