ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં દેખાવકારો પર પાક. આર્મીનો ગોળીબારઃ અનેકનાં મોત

Wednesday 11th January 2023 06:14 EST
 
 

નવીદિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં આઝાદીની માગણી સાથે સેંકડો પ્રદર્શનકારીઓએ આર્મી સામે મોરચો માંડ્યો છે. ભારતમાં ભળવાની ઇચ્છા રાખતા ગિલગિટ બાલ્ટિસ્તાનના નાગરિકો - પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની આર્મીએ બેરહેમીથી ગોળીઓ વરસાવી હતી, જેમાં અનેકનાં મોત થયાં હતાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને આર્મી સામે વિરોધ દિવસેને દિવસે વધતો જાય છે.
છેલ્લા ઘણા સમયથી ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને પાક. આર્મી સામે લોકોએ મોરચો માંડ્યો છે. આઝાદીની માગણી સાથે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો પાકિસ્તાનની આર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પ્રદર્શનોમાં વધુને વધુ લોકો જોડાતાં આંદોલન વધારે તીવ્ર બન્યું છે.
આંદોલનને વિખેરી નાખવા માટે પાકિસ્તાની સૈન્યએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારી લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેમાં અનેક પ્રદર્શનકારીનાં મોત થયાનું કહેવાય છે. જો કે આ અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી ન હતી. આ અંધાધૂંધ ગોળીબારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.


comments powered by Disqus