ગુજરાતમાં G-20 દેશોની 15 મિટિંગ પરિષદની તડામાર તૈયારી

ગાંધીનગરમાં 10, અમદાવાદમાં 2, કચ્છ-સુરત-કેવડિયામાં 1-1 બેઠક

Wednesday 11th January 2023 05:36 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં જી-20 દેશોની સમિટના ભાગરૂપે આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 15 મિટિંગ- પરિષદ યોજાશે, જે પૈકી 10 ઇવેન્ટ ગાંધીનગરમાં, 2 ઇવેન્ટ અમદાવાદમાં અને એક-એક કાર્યક્રમ કચ્છ-સુરત-કેવડિયા ખાતે યોજાશે. આમાં આર્થિક બાબતો, આરોગ્ય અને મહિલા સશક્તીકરણ વિષયો સંદર્ભે સંબંધિત મંત્રીઓની ત્રણ પરિષદ પણ યોજાશે.
પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રથમ મિટિંગ 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં જી-20ના દેશો ધંધાકીય બાબતો ચર્ચશે. શહેરી વિકાસ અને સંબંધિત પ્રશ્નો અંગે બે મિટિંગોનું આયોજન અમદાવાદમાં થશે, જેમાં પ્રારંભિક મિટિંગ 9-10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને એ પછી 29-30 મે દરમિયાન અર્બન સમિટ યોજાશે.
કચ્છના રણમાં ધોરડો ખાતે 9-10 ફેબ્રુઆરીએ ટૂરિઝમ વિષય ઉપર મિટિંગ યોજાશે, બરાબર એ જ તારીખોમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ-પ્રશ્નો અંગે પ્રારંભિક મિટિંગ થશે. ગાંધીનગરની બિઝનેસ મિટિંગની જેમ બીજી બિઝનેસ મિટિંગ 13-14 માર્ચે સુરતમાં ઇવેન્ટ સ્વરૂપે યોજાશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં સાંનિધ્યમાં કેવડિયા, એકતાનગર ખાતે વ્યાપાર-મૂડીરોકાણ સંદર્ભે 19થી 21 જૂને બેઠક યોજાશે.
ગાંધીનગરમાં પહેલી બિઝનેસ મિટિંગ યોજાયા બાદ માર્ચ મહિનાથી ફરી ગાંધીનગરમાં શ્રેણીબદ્ધ બેઠકો શરૂ થશે, જેમાં પર્યાવરણ- ક્લાઇમેટ ચેન્જની બેઠક 27-28-29 માર્ચે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત બેઠક 30 માર્ચથી 1 એપ્રિલ સુધી, ઊર્જા અંગે બેઠક 2થી 4 એપ્રિલ, આર્થિક બાબતો અને જી-20 દેશોની સેન્ટ્રલ બેન્ક સંબંધિત બેઠકો 21-22-23 જુલાઈ દરમિયાન, આરોગ્ય વર્કિંગ ગ્રૂપની બેઠકો 2-3 ઓગસ્ટ દરમિયાન તેમજ છેલ્લે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રૂપની મિટિંગો 29-30 દરમિયાન યોજાશે.
જી-20 બેઠકમાં મહેમાનોને ગુજરાતી પોષાક પહેરાવાશે
જી-20 દેશોની સમિટ માટે ભારત પ્રથમવાર યજમાન બન્યું છે અને સમિટ દરમિયાન કુલ 15 બેઠકો ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે સમિટમાં આવનારા મહેમાનોને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આતિથ્ય સત્કારનો પરિચય કરાવવામાં આવશે. મહાત્મા મંદિરમાં કુલ 10 બેઠક યોજાશે. આ બેઠકમાં ભાગ લેવા આવી રહેલા મહેમાનોને ગુજરાતનાં પરંપરાગત પોષાક જેમ કે કુર્તા- પાયજામા, શાલ વગેરે આપવામાં આવશે, જ્યારે મહિલા મહેમાનોને સાડી અપાશે. મહાત્મા મંદિરમાં મહેમાનોને પ્યોર વેજ ભોજન પીરસવામાં આવશેે.


comments powered by Disqus