ગૃહમંત્રીના હુંકાર બાદ પોલીસ એક્શનમાંઃ 30 વ્યાજખોરો સહિત 111ની ધરપકડ

Wednesday 11th January 2023 05:24 EST
 
 

ગાંધીનગરઃ ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે લીધેલાં પગલાં અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કહ્યું હતું કે, રાજ્ય ગૃહમંત્રીએ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જેથી પઠાણી ઉઘરાણી કરનારા અને માનસિક ત્રાસ આપનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2022માં વ્યાજખોરો ના 53 કેસો કરાયા જેમાં 73 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. ત્યારે નવા વર્ષના દસ જ દિવસમાં 103 કેસ કરાયા છે, જેમાં 85 આરોપીની ધરપકડ કરાઈ છે.
સમગ્ર રાજ્યમાં કાર્યવાહી
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે. તે ઉપરાંત નાણાં લેનારા લોકોને થતી હેરાનગતિ પણ ફરિયાદસ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ કરી વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરની ધરપકડ કરાઈ છે, જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયા છે.
15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ
સુરતમાં આજે વ્યાજખોરો સામે પોલીસ તવાઈ બોલાવી હતી. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. પોલીસે સુરતના ઝોન પાંચમાં 30 ગુના નોંધ્યા છે .સુરતમાં ક્રાઇમબ્રાન્ચે બે દિવસમાં જ 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારમાં ઊંચું વ્યાજ વસૂલતા 16 જેટલા વ્યાજખોરને ઝડપી પાડ્યા છે.


comments powered by Disqus