દેશની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન બિલિમોરા-વઘઈ રૂટ પર દોડશે

Wednesday 11th January 2023 05:59 EST
 
 

ડાંગ: બિલિમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ લાઇન હેરિટેજ રૂટ ઉપર હાઇડ્રોજન પાવર ચલિત ટ્રેન દોડાવવાની જાહેરાત થતા લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવાર બપોરે હેરિટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ બિલિમોરા-વધઇ વચ્ચે 62 કિલોમીટરની મજલ કાપતી નેરોગેજ લાઇનનું વિસ્તૃતીકરણ કરી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવશે. બિલિમોરા જંક્શનથી વઘઇ વચ્ચે 62 કિમી લાંબા રૂટ ઉપર 111 વર્ષોથી લાઈફ લાઇન સમાન નેરોગેજ રેલવે ટ્રેન અંગ્રેજ શાસનમાં શરૂ થઈ હતી. જંગલની વિવિધ પેદાશ અને ઇમારતી. લાકડું વઘઇ સ્ટેશનથી લાદી ૬૨ કિમી દૂર બિલિમોરા બંદરેથી વિદેશમાં નિકાસ કરાતું હતું. સદીની સફર દરમિયાન વાહન વ્યવહારમાં નિતનવા ઝડપી સુધારાઓ આવવાની સાથે નેરોગેજ ટ્રેનનો ઉપયોગ સીમિત થયો હતો. થોડા સમય માટે આ ટ્રેન બંધ પણ કરાઈ હતી. કારણ કે આર્થિક રીતે પરવડે તેમ ન હતું. હવે હેરિટેજના દરજ્જાને ધ્યાને લઇ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેથી આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. આ સાથે જ મુસાફરો આરામદાયક, સુવિધાજનક ઝડપી મુસાફરી માણી શકશે.


comments powered by Disqus