અમદાવાદ: પાલિતાણા સ્થિત શેત્રુંજય મહાતીર્થના પ્રશ્નોના સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની ગુજરાત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટના વડપણ હેઠળ રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સદસ્યોમાં રેન્જ આઇજી ભાવનગર ઉપરાંત જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂસ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરીક્ષક, પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ – ડિવિઝનલ મેજિસ્ટ્રેટ – પાલિતાણા રહેશે. આ ટાસ્ક ફોર્સ આગામી દિવસોમાં પોતાનો રિપોર્ટ સરકારને આપશે.
ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય મહાતીર્થમાં અસામાજિક તત્ત્વોનું દૂષણ ડામવા, તળેટીમાં દારૂની ભઠ્ઠી બંધ કરવા સહિતની માગ સાથે જૈન સમાજ દ્વારા રાજ્યભરમાં રેલીઓ યોજાઈ ચૂકી છે. આ સ્વયંભૂ રેલીઓને પગલે સરકારને ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરવી પડી છે.

