મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું, તમારી જાત પર ભરોસો રાખોઃ અદાણી

Wednesday 11th January 2023 06:12 EST
 
 

પાલનપુરઃ પાલનપુરમાં વિદ્યામંદિર સંસ્થાની 75 વર્ષની ઉજવણીમાં બનાસકાંઠાના બે વતની દુનિયામાં નામ રોશન કરનારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમજ જાણીતા વૈજ્ઞાનિક પ્રણવભાઈ મિસ્ત્રી સહભાગી બન્યા હતા.
પાલનપુરના મલાણા પાસે 17 એકર જગ્યા પર વિદ્યામંદિર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યાં એક મોટું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરાશે અને તેની શરૂઆત નર્સિંગ કોલેજથી કરાઈ છે.
બનાસકાંઠાના થરાદ ગામના વતની અને પાલનપુરમાં જૂનું મકાન ધરાવતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમની નાનપણની યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડીસા અને પાલનપુરમાં મિત્રો સાથે માણેલી મજાની યાદો મારા મનમાં વસેલી છે. મારા જીવન ઘડતરમાં બનાસકાંઠાનો મહત્ત્વનો ફાળો છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પાલનપુરમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. તમને તમારું લક્ષ્ય નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે, માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતાં રહો. આ ઉપરાંત તેમણે તેમના બાળપણની વાતો વાગોળતાં કહ્યું હતું કે, મારું ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે. હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. પાલનપુર મારું મોસાળ છે.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ખમતીધર બનાસકાંઠાની ધરતીને નમન કરું છું. માતૃભૂમિમાં આવવાનો આનંદ અનેરો હોય છે. મારું વતન થરાદ અને મારું મોસાળ પાલનપુર છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં વિતાવ્યા છે. મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે.
હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. બનાસકાંઠાની ધરતી અને થરાદ મને સમજે છે. વિદ્યાર્થીઓને સંબાધતાં તેમણે કહ્યું કે, તમને તમારું લક્ષ્ય નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે, માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતા રહો.
અદાણી ગમે ત્યારે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે
વિશ્વના ટોપ-10 અરબપતિમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. યાદીમાં સામેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામે ટૂંક સમયમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ શકે છે. વાસ્તવમાં તેઓ ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડીને ગમે ત્યારે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે. વાસ્તવમાં મસ્ક અને અદાણીની નેટવર્થ વચ્ચેનું અંતર હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે.


comments powered by Disqus