રાજકોટમાં ખૂલી ચિંતા બેંક, લોકો સમસ્યા જમા કરાવી શકશે

Wednesday 11th January 2023 05:50 EST
 
 

રાજકોટ: શહેરમાં 8 ડિસેમ્બરે એક અલગ પ્રકારની બેન્ક ખૂલી છે, જેને ચિંતા બેન્ક નામ આપવામાં આવ્યું છે. આ બેન્કમાં દરેક સમાજના લોકો પોતાની પારિવારિક, સામાજિક, આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા હશે તેને જમા કરાવી શકશે અને વળતરમાં તેને નિરાકરણ મળશે. આજના યુવાનો આગળ આવે અને તેને નવી દિશા મળે તે હેતુથી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અલગ પ્રકારની બેન્ક શરૂ કરી છે, જેનો 500થી વધુ લોકોએ લાભ લીધો છે.
આ સિવાય યુવાનો પગભર બને તે માટે બિઝનેસ ગુરુ નામ અંતર્ગત તાલીમ શાળા ખોલવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રભરના સફળ ઉદ્યોગપતિઓ યુવાનો સાથે વાર્તાલાપ કરે છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અત્યાર સુધી 500થી વધુ લોકોના પ્રશ્નોનું કિસ્સામાં છૂટાછેડા, ભાગીદારીના ઝઘડા, વ્યસન, જમીન-મકાનના કબજાની સમસ્યાનું નિરાકરણ કર્યું છે.
સમાજના ઉદ્ધાર માટે ચિંતા બેન્ક
આ અંગે વધુ માહિતી આપતાં કારોબારી સભ્ય શૈલેશભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજ છેલ્લાં ત્રણ વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરે છે. આ સંસ્થામાં કોઈ નાત-જાતના વાડા રાખવામાં આવ્યા નથી. દરેક સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાઈ શકે છે. સભ્યો સ્વખર્ચે લોકોની સમસ્યાનું નિરાકરણ કરે છે. સમાજના અનેક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેનું સમાધાન તો છે પરંતુ તેને ક્યાંક પૂરતું માર્ગદશર્ન અને સપોર્ટ નથી. આથી તેઓ અનેક મુશ્કેલી અનુભવતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી ચિંતા બેન્ક ખોલવાનો વિચાર આવ્યો.
યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું
પ્રાથમિક તબક્કે રાજકોટમાં આર.કે. એમ્પાયર, બાપા સીતારામ ચોક, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ ખાતે આ ચિંતા બેન્ક ખોલવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત તેમજ દેશભરમાં ખોલવામાં આવશે. 8 ડિસેમ્બરે આયોજિત કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ રીતે કામ કરશે ચિંતા બેન્ક
સંસ્થાની ઓફિસમાં જે પેટી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ ચિઠ્ઠી મૂકી જશે તેને વાંચવામાં આવશે.
જે સમાજની હોય તે સમાજના આગેવાનોને સાથે રાખવામાં આવશે. જેણે ચિંતા રજૂ કરી છે તેને પહેલા સાંભળવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સાથે પ્રશ્ન કે ઝઘડો હશે તો તેને પણ સાથે રાખીને બંને પક્ષને સાંભળવામાં આવશે.


comments powered by Disqus