ભૂજઃ દર વર્ષે 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઊજવાય છે. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યા તે દિવસની ઉજવણી માટે 9 જાન્યુઆરીએ આ દિવસ ઊજવવામાં આવે છે.
કચ્છીઓ અને ગુજરાતીઓ આજે દુબઈથી માંડી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, ન્યૂઝીલન્ડ સુધી છવાયેલા છે. કચ્છીઓ ડાયમંડ, સ્ટીલ, સિમેન્ટ, સોલ્ટ, લોખંડ, રૉ-મટિરિયલ, કાપડ અને આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કચ્છના આ લોકો ભારતની સાથે વતન કચ્છને યાદ કરે છે. કચ્છમાં સુવિધા ઊભી થાય તેની વાત પણ કરે છે.
નર્મદાના નીર કચ્છમાં માંડવી સુધી પહોંચતાં ખેતીને ફાયદો થશે
લંડનસ્થિત કચ્છી લેઉવા પટેલ સમાજના માજી પ્રમુખ વેલજીભાઈ પરબત વેકરિયાએ જણાવ્યું હતું કે, આજે જ્યારે ભારત અને કચ્છ આવે છે ત્યારે શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે નવી નીતિ જોઈને આનંદ થાય છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદાનાં નીર કચ્છમાં માંડવી સુધી પહોંચ્યાં છે, ત્યારે કચ્છના ખેડૂતોએ કચ્છને ખેતીપ્રધાન બનાવવાની દિશામાં આગળ વધવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ.
ઇઝરાયેલના લોકો ભારતને આદર્શ માને છે
21 વર્ષથી ઇઝરાયેલ ખાતે સરકારી નોકરી સાથે સંકળાયેલા અને ત્યાંના રાષ્ટ્રપતિના હસ્તે પ્રશસ્તિ પત્ર મેળવનારા મૂળ મિરઝાપર ભુજના ધર્મેન્દ્ર પરમાર જણાવે છે કે અહીં વસતા ગુજરાતીઓ મુખ્યત્વે ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા છે. ઇઝરાયેલના લોકો ખૂબ ચોખ્ખા હૃદયના છે અને ભારતીયોને તેઓ આદર્શ દેશના નાગરિકો તરીકે માને છે. વિશેષમાં અહીંના પરિવારમાં એક વ્યક્તિને સૈન્યની તાલીમ ફરજિયાત છે. ભારતમાં પણ આ પ્રકારની કોઈ તાલીમ આપવી જોઈએ.
કચ્છને સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન મળે
છેલ્લાં 60 વર્ષથી દુબઈ સ્થાયી થયેલા અને સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ માંડવીના કેશવજીભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હાલ કચ્છ આવવાનું થાય ત્યારે અમદાવાદ અથવા મુંબઈની ફ્લાઇટ લેવી પડે છે. કચ્છને સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન મળે તે જરૂરી છે.
કચ્છમાં આઇટી ક્ષેત્રે કોર્સ જરૂરી
ઓસ્ટ્રેલિયાથી મૂળ અંજારના રવિકુમાર ઠક્કરે જણાવ્યું હતું કે, હું 15 વર્ષથી અહીં સોફ્ટવેર કંપનીમાં ફરજ બજાવું છું. કચ્છમાં શૈક્ષણિક વિકાસ હેઠળ મહત્ત્વના કોર્સ શરૂ કરવા જરૂરી છે. કચ્છના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યો પર મીટ ન માંડવી પડે તેવા પ્રયત્નો થાય તો કચ્છમાં શિક્ષણક્ષેત્રે નવો અધ્યાય સ્થપાય.
કચ્છને એઇમ્સ જેવી હોસ્પિટલની જરૂર
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં રહેતી મૂળ દેશલપરની વૃંદા પટેલ જણાવે છે કે કચ્છમાં સરકાર તરફથી મેડિકલ કોલેજ તેમજ એઇમ્સ જેવી હોસ્પિટલ જરૂરી છે, કારણ કે અદ્યતન હોસ્પિટલ બનતાં દર્દીઓને મોટાં મહાનગરોના ખર્ચાથી બચાવી શકાય છે અને સારી તબીબી સુવિધા પણ મળી શકે છે.

