સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને પોલિશ જ નથી કરાતા, પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક જ્વેલરે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. સિંગ વોચ બ્રેસલેટમાં 17 હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 8થી 10 મહિનાની મહેનતે બનેલી વોચ બ્રેસલેટની બીજી કોપી ન બનાવવાનો દાવો પણ જ્વેલર્સ દ્વારા કરાયો છે.
બે જ્વેલર્સે મળીને કામ કર્યું
સુરત શહેર જ્વેલરી ક્ષેત્રમાં ફરી એકવાર ગૌરવની ક્ષણ સામે આવી છે. હોંગકોંગમાં કોરોનેટ વોચના નામે અગાઉ 15,000 ડાયમંડ લગાડવાનો વર્લ્ડ રેકોર્ડ હતો, જે સુરતની હાઇ ફેશન જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા તથા રેનાની જ્વેલર્સ જે યુ.પી. મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે તોડીને પોતાના નામે બનાવવામાં આવ્યો છે.
નેચરલ રિયલ ડાયમંડ લગાવાયા
આ વખતે સોનાની રિયલ ડાયમંડની વોચ બ્રેસલેટ બનાવવામાં આવી છે. આ વોચ બ્રેસલેટમાં 17,524 રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. 17,524 રિયલ ડાયમંડમાં 12 નેચરલ રિયલ બ્લેક ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. આમાં 0.72 કેરેટનો ડાયમંડ પણ લગાવવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે, આ વોચમાં 113 નિલમની ચોકી જેને અંગ્રેજીમાં બ્લૂ સેફાયર કહેવાય છે તેનો પણ સમાવેશ કરાયો છે.
ડાયમંડનો રેકોર્ડ સર્જ્યો
સોનાના બ્રેસલેટનું કુલ વજન373.030 ગ્રામ છે, જ્યારે ટોટલ ડાયમંડનું વજન 54.70 કેરેટ વાપરવામાં આવ્યું છે. આ પહેલાં હાઇ ફેશન જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા અને રેનાની જ્વેલર્સના હર્ષિતભાઈ બંસલના નામે મેરિગોલ્ડ રિંગ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. જેમાં 12,638 ડાયમંડ સેટ કરી સૌથી વધારે ડાયમંડ સેટિંગનો રેકોર્ડ તોડ્યો છે.
10 મહિના જેટલો સમય લાગ્યો
હર્ષિતભાઈ બંસલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કંઈક નવું અને અનોખું કરવા ઇચ્છતા હતા, જેથી અમે 8થી 10 મહિનાની મહેનતના અંતે બ્રેસલેટ વોચ તૈયાર કરી છે. જેમાં ડાયમંડની સાથે ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. પહેરવામાં એકદમ આકર્ષક લાગતી આ વોચ અમે સિંગલ રાખીશું. આનો બીજો પીસ અમે નહીં બનાવીએ, કારણ કે વિશ્વમાં આ એકમાત્ર જ પીસ રહી શકે તે પ્રકારે અમારે કરવું છે.

