સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદે સોમનાથ દાદાનાં કર્યાં દર્શન

સોમનાથ મહાદેવને કરેલી પ્રાર્થના સુરિનામના લોકોને સમૃદ્ધિ આપશે

Wednesday 11th January 2023 05:43 EST
 
 

વેરાવળ: દક્ષિણ અમેરિકી દેશ સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગયા 7 ડિસેમ્બરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે આવ્યા હતા અને તેમણે દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુકાવીને પૂજા - અર્ચના કરી હતી. આ પૂર્વે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ ઉપર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
સોમનાથ મંદિરમાં સૌ પ્રથમ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ પુષ્પહારથી ચંદ્રિકાપ્રસાદનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરાયું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવાઈ હતી. જે પછી તેમણે દેવાધિદેવ મહાદેવને ધ્વજારોપણ પણ કર્યું હતું જ્યારે સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે. ડી. પમારે મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ તકે રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતાં જણાવ્યું હતું કે મને મળેલા સત્કાર, મિત્રભાવના અને પ્રાર્થનાઓ માટે સુરિનામની સરકાર અને સુરિનામના નાગરિકો વતી હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અહીંની પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે.


comments powered by Disqus