હવે કોઈપણ વ્યક્તિ સીધી CMOમાં કરી શકશે ફરિયાદઃ CMએ નંબર જાહેર કર્યો

Wednesday 11th January 2023 05:21 EST
 
 

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલાં તમામ જિલ્લા અને 182 વિધાનસભા વિસ્તારમાંથી જનતાનાં સૂચનો મગાવ્યાં હતાં. જેમાં ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રીને સીધી ફરિયાદ થઈ શકે તેવું સૂચન કર્યું હતું, જે અંતર્ગત મુખ્યપ્રમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીધી રજૂઆત કરવા માટે વ્હોટ્સએપ નંબર જાહેરાત કર્યો છે. ફરિયાદના મોનિટરિંગ સાથે મનપાઓની વેબસાઇટને પણ સી.એમ. ડેશબોર્ડ સાથે જોડી દેવાઈ છે. ઉપરાંત ફરિયાદના નિરાકરણ સુધી સિસ્ટમથી સમીક્ષા કરાશે.
કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ?
સરકાર દ્વારા સામાન્ય જનતા સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ-2માં જનસંપર્ક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે બાબતે જનસંપર્ક કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 1 જાન્યુઆરીથી શરૂ કરી છે. સરકારે 7030930344 નંબર જાહેર કર્યો છે, જેમાં કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ પોર્ટલ માધ્યમથી કરી શકશે.


comments powered by Disqus