5 દાયકા પહેલાં સ્થળાંતર કરી ગયેલા લોકોને નલિયા પરત લાવવાની ઝુંબેશ

Wednesday 11th October 2023 06:14 EDT
 

મુંબઈઃ સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં કચ્છી દશા ઓસવાળ જૈન સમાજની સારી એવી વસ્તી હતી. આજથી પાંચ દાયકા પહેલાની વસ્તી સામે હાલ સ્થાનિકોની 130 જનસંખ્યા રહી છે, ત્યારે માદરે વતનમાં જૈનસમાજની ઘટતી વસ્તી અને દેરાસરો સહિતની મિલકતોની જાળવણી માટે મુંબઈસ્થિત નલિયા જૈન મહાજન ચિંતા સેવી રહ્યું છે અને અગાઉ સ્થળાંતર કરી ગયેલા લોકોને પરત નલિયા લઈ જવા માટેની ઝુંબેશ શરૂ કરાઈ છે.
નલિયા જૈનસમાજની કુલ વસ્તી 3200 આસપાસ છે અને જૈન સમાજનાં તીર્થો, ઉપાશ્રયો, ભોજન શાળાઓ, પાંજરાપોળો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. સ્થાનિક સ્તરે રોજગારી, શિક્ષણ, આરોગ્યને લગતી સુવિધાના અભાવે લોકો ધંધાર્થે બહાર જઈ રહ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનો વાયરો ફુંકાયો છે અને વાતાવરણ બદલાતાં વરસાદ પણ નિયમિત પડી રહ્યો છે, જેના કારણે ખેતીક્ષેત્રે પણ સારી આવક મળી રહે છે. આવા સમયે નલિયા જૈન મહાજન પ્રમુખ મૂળચંદ મોતાએ સોશિયલ મીડિયામાં એક મેસેજ નાખ્યો હતો કે, હવે સમય આવી ગયો છે આપણા વડીલોની જન્મભૂમિ તથા કર્મભૂમિને યાદ કરવાનું અને તેમાં ખાસ કરીને યુવાધનને માદરે વતનની માટી સાથે મુલાકાત કરાવવાની છે. પર્યુષણ પર્વ કે દિવાળી વેકેશનમાં યુવાધનને માદરે વતન લઈ આવવું પડશે.
દેરાસર સહિત જૂની સંસ્થાઓ, મિલકતોની જાળવણી માટે યુવાધનને પ્રોત્સાહિત કરવાનો સમય પાકી ગયો હોવાના સંદેશને સારો પ્રતિસાદ મળ્યો છે. નલિયામાં સુવિધાસભર અતિથિગૃહ, મોટી-મોટી ખાનગી હોટેલો ઉપલબ્ધ છે, અને રહી વાત શિક્ષણ - આરોગ્યની તો એ પણ ટૂંક સમયમાં વધારવા સરકાર પ્રયત્ન કરી રહી છે.


comments powered by Disqus