વડોદરાઃ પેલેસ્ટિનિયન આતંકવાદીઓના હુમલાથી ઈઝરાયલમાં રહેતા 700 ગુજરાતી ફસાયા છે. એરપોર્ટનું ઓપરેશન બંધ હોવાથી તેઓ ભારત આવી શકતા નથી. ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાત અને રાજસ્થાનના યુવકોને મિસાઇલોના અવાજથી નહીં, પરંતુ શહેરમાં ઘૂસેલા આતંકીઓનો ડર લાગે છે.
ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હુમલા અને મિસાઇલ એટેકથી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોર્ડર વિસ્તારથી આતંકવાદીઓ શહેરમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઇઝરાયેલમાં ચોક્કસ કેટલા ભારતીયો છે તેનો સત્તાવાર આંકડો મેળવી શકાયો નથી. આ સમગ્ર મામલે વડોદરામાં રહેતા ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયેલ નિકેતન કોન્ટ્રક્ટર પાસે જાણવા મળ્યું છે કે, ઇઝરાયેલમાં 700 લોકો ગુજરાતીઓ છે. વડોદરા તથા શહેરની આસપાસ સહિત મધ્ય ગુજરાતના અંદાજે 100 લોકો ત્યાં હોઈ શકે છે. ઇઝરાયેલમાં અચાનક હુમલાથી પરિસ્થિતિ ગંભીર છે.
ઇઝરાયેલ દ્વારા પણ આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ પૂર્વ ઇઝરાયેલના પેટાહ-ટિકવા શહેરમાં રહેતા ગુજરાત અને રાજસ્થાનના સાતથી આઠ યુવકો ત્રણ દિવસથી વધારે સમયથી ઘરમાં કેદ છે. વર્તમાન પરિસ્થિતિ અંગે યુવકોએ જણાવ્યું હતું કે, કામ વગર ઘરની બહાર ન નીકળવાની એડવાઇઝરી જાહેર કરાઈ છે. અમને મિસાઇલોના અવાજથી નહીં, પરંતુ ઈઝરાયેલમાં ઘૂસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. અમે ત્રણ દિવસથી ઘરમાં જ છીએ. ખાવા-પીવાની ચીજવસ્તુ લેવા લોકો ઘરની બહાર નીકળે છે. વણસેલી પરિસ્થિતિમાં પણ ઇઝરાયેલમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા ચાલુ છે.
મારા ઘર નજીકની ઈમારતોતે નુકસાન
ઇઝરાયેલમાં આતંકવાદીઓના હુમલાને કારણે યુકેમાં અટવાયેલા એમએસયુના પૂર્વ વિદ્યાર્થી ચંચલ બંગાને જણાવ્યું કે, ગાઝાથી 20 મિનિટના અંતરે મારું ઘર છે. આતંકીઓના હુમલાને કારણે મારા ઘર નજીની ઇમારતોને ભારે નુકસાન થયું છે. મારો પરિવાર અને મિત્રો સુરક્ષિત છે.
ચિંતા કરવાની જરૂર નથી
ઇઝરાયેલમાં ફસાયેલાં પત્ની અંગે ફ્રાન્સીસ મેકવાન નામની વ્યક્તિએ જણાવ્યું કે, ઇઝરાયેલમાં મારાં પત્ની 9 વર્ષથી કેરટેકર તરીકે કામ કરે છે. આતંકીઓ સામે ઇઝરાયેલ આર્મીએ વળતા પ્રહાર ચાલુ કર્યા છે. આતંકીઓના હુમલાથી ટેન્શનનો માહોલ છે, પરંતુ સ્થિતિ કાબૂમાં હોવાથી ચિંતા કરવાની જરૂર નથી.

