ગાંધીનગરઃ રાજ્યમાં નાની વયની વ્યક્તિઓના બનતા હાર્ટએટેકના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવરાત્રી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ નવરાત્રી દરમિયાન રાસ-ગરબાનું મોટું આયોજન હોય તે સ્થળે મેડિકલ ટીમ એમ્બુલન્સ વાન સાથે તહેનાત રાખવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે તમામ વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મહાનગરપાલિકાના હેલ્થ મેડિકલ ઓફિસરને પરિપત્ર કરીને આદેશ કર્યો છે.
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. 108 એમ્બુલન્સ ગરબા સ્થળની આસપાસ રાખવાની રહેશે, જેથી સમયસર સ્થળે પહોંચી શકાય. ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી યુવાનો- બાળકોમાં હાર્ટને લગતી તકલીફોને જોતાં આ નિર્ણય લેવાયો છે.

