નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા સોમવારે દેશનાં મહત્ત્વનાં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો તત્કાળ અમલ શરૂ થઈ ગયો છે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન યોજવામાં આવશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. આ ચાર રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં 7 નવેમ્બર અને 17 મતદાન યોજવામાં આવશે. પાંચેય રાજ્યોમાં એકસાથે 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર કરાશે. પાંચેય રાજ્યોની 679 સીટો માટે 27 દિવસ સુધી ચૂંટણીની પ્રક્રિયા ચાલશે. મધ્યપ્રદેશમાં હાલ ભાજપ સત્તા પર છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કેસીઆરની પાર્ટી બીઆરએસ સત્તા સંભાળે છે, જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના હાથમાં સત્તાનું સુકાન છે. પાંચેય રાજ્યોમાં આ વખતની ચૂંટણીને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાની સેમિ ફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે.

