વલસાડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડના ઝરોલી ગામે આવતા પહાડમાં ટનલ બનાવવાની કામગીરી હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ હતી, જેને માત્ર 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે. કુલ 350 મીટરની ટનલ 12.6 મીટરનો વ્યાસ ધરાવે છે. સુરંગની ઊંચાઈ 10.25 મીટર છે, જે સિંગલ ટ્યૂબ હોર્સ-શૂ આકારમાં નિર્માણ કરવામાં આવી છે, જેમાં 2 ટ્રેક પર હાઇસ્પીડ રેલ આવાગમન કરશે. આ ગુજરાતની એકમાત્ર ટનલ છે, જેમાંથી ટ્રેન પસાર થશે, જ્યારે મહારાષ્ટ્રમાં 7 જેટલી ટનલ બનાવવામાં આવશે. 350 મીટર લંબાઈની સુરંગમાં પથ્થરોને તોડવા 120 બ્લાસ્ટ કરાયા હતા.
ચીફ પ્રોજેકટ મેનેજરની ટીમે ગુરુવારે ઝરોલી ખાતે ટનલનું નિરીક્ષણ કર્યું હતું. તેમની હાજરીમાં જ એન્ટ્રેન્સને એક્સપ્લોઝિવની મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું.

